Breaking News :
'અકવાન' વાવાઝોડાના ખતરાને પગલે આંધ્રપ્રદેશ સહિત 4 રાજ્યોમાં એલર્ટ, 20મીએ 145 કિમીની ઝડપે ફૂંકાવાની શક્યતા દિલ્હીના કસ્તૂરબા નગરમાં મકાનની છત ધરાશાયી થતાં 3 વર્ષના બાળક સહિત 2નાં મોત, 6 લોકો ફસાયાની આશંકા આસામ અને જૂનાગઢમાં ગોઝારા માર્ગ અકસ્માત: કથાકાર મોરારીબાપુએ મૃતકોના પરિવારજનો માટે કરી આર્થિક સહાયની જાહેરાત બિલ્કિસ બાનો કેસ: સુપ્રીમ કોર્ટે દિવ્યાંગ સહિત 2 દોષિતોની આજીવન કેદની સજા સ્થગિત કરી જામીન આપ્યા ગુજરાતનું ગૌરવ: વડનગરના અનંત અનાદિ મ્યુઝિયમને જર્મનીમાં 'રેડ ડોટ: બેસ્ટ ઓફ ધ બેસ્ટ એવોર્ડ 2026' ઉત્તરાખંડમાં બે માર્ગ અકસ્માતમાં : રુદ્રપ્રયાગમાં બોલેરો અને ઋષિકેશમાં બસ ખાબકતાં 12નાં કમકમાટીભર્યા મોત

'અકવાન' વાવાઝોડાના ખતરાને પગલે આંધ્રપ્રદેશ સહિત 4 રાજ્યોમાં એલર્ટ, 20મીએ 145 કિમીની ઝડપે ફૂંકાવાની શક્યતા

November 17, 2026

મછલીપટ્ટનમ  : બંગાળની ખાડીમાં સક્રિય થયેલું ડીપ ડિપ્રેશન હવે ચક્રવાતી તોફાન 'અકવાન'માં ફેરવાઈ ગયું છે અને સાંજ સુધીમાં તે ગંભીર ચક્રવાતી તોફાન બની શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આ વાવાઝોડું ગુરુવાર સવાર સુધીમાં અત્યંત ગંભીર સ્વરૂપ ધારણ કરશે અને 20 નવેમ્બર, શુક્રવારે બપોરે આંધ્રપ્રદેશના નેલ્લોર અને તુની વચ્ચે લેન્ડફોલ કરશે.

લેન્ડફોલ સમયે પવનની ઝડપ 120-130 કિમી પ્રતિ કલાકથી લઈને 145 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે. 'અર્નબ' અને 'મુરાસુ' બાદ આંધ્રપ્રદેશ પર ત્રાટકનારું આ ત્રીજું મોટું વાવાઝોડું છે, જેના કારણે 4 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ અપાયું છે. 

હાલમાં આ વાવાઝોડું ચેન્નાઈથી 610 કિમી પૂર્વમાં, મછલીપટ્ટનમથી 660 કિમી, વિશાખાપટ્ટનમથી 670 કિમી અને ઓડિશાના ગોપાલપુરથી 790 કિમી દૂર સમુદ્રમાં સ્થિત છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 1 થી 2 મીટર ઊંચા મોજા ઉછળી શકે છે. વાવાઝોડાની અસર હેઠળ બુધવારથી તટીય આંધ્રપ્રદેશમાં વરસાદ શરૂ થશે અને ગુરુવાર-શુક્રવારે કેટલાક જિલ્લાઓમાં 20 સેન્ટિમીટરથી વધુ વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત તમિલનાડુ, ઓડિશા અને પશ્ચિમ બંગાળના દક્ષિણ ભાગોમાં પણ વરસાદ અને તોફાનનું એલર્ટ જાહેર કરાયું છે.  સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ અમરાવતીમાં અધિકારીઓ સાથે ટેલિકોન્ફરન્સથી સમીક્ષા બેઠક યોજી હતી.

તેમણે જાનમાલનું નુકસાન અટકાવવા સંવેદનશીલ વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા અને બચાવ ટીમોને સ્ટેન્ડબાય રાખવા નિર્દેશ આપ્યા છે. તંત્ર દ્વારા વોટ્સએપ નંબર 9552300009 અને ટોલ-ફ્રી નંબર 112, 1070 અને 18004250101 જાહેર કરાયા છે.

તોફાની દરિયાઈ સ્થિતિને કારણે માછીમારો અને નાવિકોને દરિયો ન ખેડવા અને કિનારે પરત ફરવા કડક સૂચના આપવામાં આવી છે. વૃક્ષો અને વીજ થાંભલા પડવાની શક્યતાને પગલે રાહત ટીમો તૈનાત કરવામાં આવી છે. ખેડૂતોને પાક બચાવવા પગલાં લેવા અને નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે.