મધ્ય પૂર્વમાં નવો તણાવ ઃ યમનમાં સાઉદીની એરસ્ટ્રાઈક, 33 લોકોના મોત

November 08, 2026

યમન : સાઉદી અરબે યમનની રાજધાની સના નજીક હુથી વિદ્રોહીઓના નિયંત્રણ હેઠળના વિસ્તારો પર અત્યંત ભીષણ હવાઈ હુમલા કર્યા છે. હુથી સંચાલિત 'સબા' ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, અલ-શરિયા વિસ્તારમાં થયેલા આ ઘાતક હુમલાઓમાં ઓછામાં ઓછા 33 લોકોનાં મોત નીપજ્યાં છે અને 39 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. રિયાધ એરપોર્ટ પર થયેલા હુમલાના ગણતરીના કલાકો બાદ જ સાઉદી સેનાએ આ જવાબી કાર્યવાહી કરી છે, જે તાજેતરના મહિનાઓમાં બંને પક્ષો વચ્ચે શરૂ થયેલી લડાઈમાં સૌથી મોટા અને ખતરનાક હુમલાઓમાં ગણવામાં આવી રહી છે.


આ ભીષણ હુમલા બાદ કાટમાળમાંથી લોકોને બહાર કાઢવા માટે રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. જોકે, હુથીઓએ ગંભીર આક્ષેપ કર્યો છે કે સાઉદી લશ્કરી વિમાનોએ બે વાર હુમલો કરીને બચાવ કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓને પણ નિશાન બનાવ્યા હતા. અગાઉ તાઈઝ પ્રાંતના એક બજારમાં થયેલા હુમલામાં 30 લોકોનાં મોત થયા હતા. નોંધનીય છે કે લાંબા સમયના યુદ્ધવિરામ બાદ આ વર્ષે જુલાઈમાં સાઉદી અરબ અને યમનના હુથીઓ વચ્ચે ફરીથી સશસ્ત્ર સંઘર્ષ શરૂ થયો છે, જેના કારણે મધ્ય પૂર્વમાં નવો તણાવ ઊભો થયો છે.

આ સ્થિતિ વચ્ચે હુથી સમૂહે પણ સાઉદી અરબની અંદર આવેલા ઓઈલ માળખા, એરપોર્ટ અને સૈનિકોના ઠેકાણાઓને નિશાન બનાવીને બેલિસ્ટિક મિસાઇલો, ક્રૂઝ મિસાઇલો અને ડ્રોન દ્વારા છ મોટા લશ્કરી હુમલા કરવાની જવાબદારી સ્વીકારી છે. હુથી પ્રવક્તા યાહ્યા સારીએ સ્પષ્ટ કર્યું છે કે આ કાર્યવાહી તાઈઝ અને બની હશિશમાં થયેલા ઘાતક હુમલાના બદલારૂપે કરવામાં આવી છે, જેમાં મોટાભાગના મૃતકો મહિલાઓ અને બાળકો હતા.