જાપાન ફરી 5.7ની તીવ્રતાના ભૂકંપના આચંકાથી ધણધણ્યું, 22ને ઈજા

November 08, 2026

22થી વધુ લોકો ઈજાગ્રસ્ત, આંચકા બાદ ભારે અફરાતફરી, રેલવે વ્યવહાર અને બુલેટ ટ્રેનોની ગતિ ધીમી કરાઈ


શિઝુઓકા ઃ કુદરતી આપત્તિઓ માટે સંવેદનશીલ ગણાતા જાપાનમાં રવિવારે વહેલી સવારે ભૂકંપના શક્તિશાળી આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 5.7 માપવામાં આવી હતી. સ્થાનિક સમય અનુસાર વહેલી સવારે 1:04 કલાકે આવેલા આ ભૂકંપનું કેન્દ્રબિંદુ શિઝુઓકા પ્રાંતમાં જમીનથી આશરે 40 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. આ ભયાનક આંચકાને કારણે પડોશી પ્રાંત આઈચી (Aichi) અને શિઝુઓકા સૌથી વધુ પ્રભાવિત થયા છે, જેના કારણે નાગરિકોમાં ભારે દહેશત ફેલાઈ ગઈ હતી અને બચવા માટે દોડાદોડ થતાં 22 લોકો ઘાયલ થયા છે.

અચાનક આવેલા આંચકાને કારણે લોકો ઊંઘમાંથી જાગીને જીવ બચાવવા ઇમારતોમાંથી બહાર દોડી આવ્યા હતા. જાપાનના ટીવી ચૅનલો પર દેખાડાયેલી તસવીરોમાં દુકાનોના કાચ તૂટેલા અને રસ્તાઓ પર કાચના ટુકડા ફેલાયેલા જોવા મળ્યા હતા. એક બુકસ્ટોર્સમાં તો અલમારિઓમાંથી પુસ્તકો નીચે પડીને ઢગલો થઈ ગયા હતા. અચાનક સર્જાયેલી આફત વચ્ચે ભાગદોડ અને સીડીઓ પરથી ઉતરતી વખતે નાસભાગ મચી જવાથી આશરે 22 લોકો ઘાયલ થયા છે, જેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ભૂકંપની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે તેની અસર આઈચી પ્રાંત, હમામાત્સુ શહેર, પ્રાચીન રાજધાની ક્યોટો (Kyoto) અને નારા, માઉન્ટ ફૂજીવાળા યામાનાશી તથા ગિફૂ પ્રાંત સુધી વર્તાઈ હતી. સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા એહિયાત રૂપે પ્રભાવિત ક્ષેત્રોમાં શિંકાનસેન બુલેટ ટ્રેનોની ગતિ મંથર (ધીમી) કરી દેવામાં આવી છે, જેથી પટ્ટીઓને થનારા નુકસાનથી બચી શકાય. જાપાનમાં છેલ્લા બે દિવસમાં કુદરતી પ્રકોપ વધ્યો છે. આ ઘટનાના માત્ર એક દિવસ અગાઉ એટલે કે શનિવારે સાંજે આશરે 7:39 વાગ્યે જાપાનના હાસાકી (Hasaki) ખાતે 6.1ની તીવ્રતાનો વધુ એક શક્તિશાળી ભૂકંપ નોંધાયો હતો.