અમેરિકન સેનેટમાં ડેમોક્રેટ્સ છવાયા, 100માંથી 51 બેઠકો કબજે કરી

November 04, 2026

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બે વર્ષના કાર્યકાળ બાદ યોજાયેલી મિડટર્મ ચૂંટણીઓ (Midterm Elections 2026) ના પ્રારંભિક પરિણામો અને ટ્રેન્ડ્સે વોશિંગ્ટનના રાજકારણમાં ભૂકંપ સર્જ્યો છે. તમામ પૂર્વ-ચૂંટણી સર્વેના અંદાજો સાચા ઠેરવતા ડેમોક્રેટિક પાર્ટીએ રિપબ્લિકન પાર્ટીના પરંપરાગત ગઢ ગણાતા વિસ્તારોમાં ભારે ગાબડું પાડ્યું છે.

સેનેટ (Senate) અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ (House of Representatives) બંનેમાં ડેમોક્રેટ્સે મોટો ઉછાળો માર્યો છે. આ ચૂંટણીમાં ભારતીય સમુદાય માટે પણ મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં ફ્લોરિડાથી ભારતીય મૂળના ડેમોક્રેટ ઉમેદવાર પિયા ડાંડિયા અને વર્જિનિયાથી સુહાસ સુબ્રમણ્યમ વિજેતા બન્યા છે.

અમેરિકાથી એક ચોંકાવનારા અહેવાલ એ છે કે મિડટર્મ ચૂંટણીમાં મિશિગનની હાઈપ્રોફાઈલ સેનેટ સીટ પર ડેમોક્રેટિક ઉમેદવાર અબ્દુલ અલ સઈદને લીડ મળી રહી છે. તે હરીફ ઉમેદવાર કરતા 3% વૉટ સાથે આગળ છે. આ બેઠક પર સૌની નજર છે કેમ કે ટ્રમ્પ અબ્દુલ અલ સઈદને જેહાદી ગણાવી ચૂક્યા હતા.

સેનેટ એટલે કે ભારતની જેમ અમેરિકાની રાજ્યસભામાં ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીનો કારમો પરાજય થયો છે. તેમાં ડેમોક્રેટિક પાર્ટીને જબરદસ્ત બહુમતી મળી છે. ડેમોક્રેટ્સ પાસે હવે ઉપલા ગૃહમાં 100 માંથી 51 બેઠકો આવી ચૂકી છે.

ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરના મધ્યસત્રના ચૂંટણીના પરિણામમાં હાર સ્વીકારવા તૈયારી બતાવી દીધી છે. આ સાથે તેમણે સવાલો ઊઠાવતા કહ્યું કે બેલેટ પેપર પર મારું નામ હોત તો કદાચ અમે ભારે બહુમતથી ચૂંટણી જીતી ગયા હોત. જોકે હું હાર સ્વીકારીને ડેમોક્રેટ્સ સાથે મળીને કામ કરવા તૈયાર છું. ઉલ્લેખનીય છે કે આ હારથી ટ્રમ્પને હવે મોટો ઝટકો લાગશે અને તે યુદ્ધમાં બેફામ નિર્ણયો લેતા અટકી શકે છે.  ટ્રમ્પે કહ્યું કે હું ચૂંટણી મેદાનમાં નહોતો. જો હું ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉતર્યો હોત તો રિપબ્લિકન્સ ભારે બહુમતથી જીત્યા હોત. જોકે લોકો ટ્રમ્પની આ પ્રતિક્રિયાની મજાક પણ ઉડાવી રહ્યા છે.