Breaking News :
પંજાબમાં મની લોન્ડરિંગ અને 5 કરોડની લાંચ કેસમાં પૂર્વ કેબિનેટ મંત્રી સુંદર શામ અરોરાના 16 ઠેકાણે EDના દરોડા કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે અમદાવાદની કાયાપલટ, રાજ્ય સરકારે રૂ. 40 હજાર કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની જાહેરાત કરી હેલોવીન વીકેન્ડમાં અમેરિકાના 4 રાજ્યોમાં ગોળીબાર, ડલાસમાં 4 સહિત 5 લોકોનાં મોત, 29 ઘાયલ ફ્લોરિડાના રહેણાંક વિસ્તારમાં બહામાસ જતું લિયરજેટ 60 પ્લેન તૂટી પડતાં આગ લાગી, તમામ 9 મુસાફરો ભડથું સાણંદના વિંછીયામાં અંધશ્રદ્ધાનો કહેર: વંશમાં કોઈ ભુવો ન બને તે માટે પિતાએ પુત્રની પછાડીને હત્યા કરી બાડમેર મેડિકલ કોલેજમાં રેગિંગ: ‘વ્હાઈટ હાઉસ’માં વાળ કાપવાની ફરિયાદ બાદ 15 છાત્રા સહિત 80 સામે કાર્યવાહી

હેલોવીન વીકેન્ડમાં અમેરિકાના 4 રાજ્યોમાં ગોળીબાર, ડલાસમાં 4 સહિત 5 લોકોનાં મોત, 29 ઘાયલ

November 02, 2026

અમેરિકામાં હેલોવીન વિકેન્ડની ઉજવણી દરમિયાન ટેક્સાસ, અલબામા, ડેલાવેર અને અરકાંસાસ રાજ્યોમાં થયેલી અંધાધૂંધ ગોળીબારની અલગ-અલગ ઘટનાઓથી ભારે ચકચાર મચી છે. ટેક્સાસના ડલાસ શહેરમાં ત્રણ સ્થળોએ થયેલા ફાયરિંગમાં 4 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 15 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઉપરાંત અન્ય રાજ્યોમાં થયેલા ગોળીબારમાં વધુ 1 વ્યક્તિનું મોત અને 14 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. આ તમામ હિંસક ઘટનાઓને પગલે પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું છે અને અલગ-અલગ સ્થળોએથી કેટલાક શંકાસ્પદોની અટકાયત કરીને સઘન તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ડલાસ પોલીસ ચીફ ડેનિયલ કોમોની માહિતી અનુસાર, ડીપ એલાં વિસ્તારમાં ત્રણ જુદી-જુદી જગ્યાએ ગોળીઓ ધરબી દેવામાં આવી હતી, જેમાં 4 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ફાયરિંગ પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. જોકે, પોલીસે કેટલાક શંકાસ્પદ લોકોની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે. પોલીસ અધિકારીઓ આ ત્રણેય ઘટનાઓ વચ્ચે કોઈ સીધો સંબંધ છે કે નહીં તે દિશામાં પણ તપાસ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં પકડાયેલા લોકો સામે કયા આરોપો મુકાયા છે તેની કોઈ સત્તાવાર વિગતો તપાસ એજન્સી દ્વારા જાહેર કરવામાં આવી નથી.

બીજી તરફ, શનિવારે રાત્રે અલબામાના બર્મિંગહામમાં મેજિક સિટી ક્લાસિક ફૂટબોલ મેચ પૂર્ણ થયા બાદ લેજીયાં ફિલ્ડ નજીક પણ ગોળીબાર થયો હતો. પોલીસ ચીફ માઇકલ પીકેટના જણાવ્યા મુજબ, મોટાભાગના દર્શકો સ્ટેડિયમ પરિસરમાંથી નીકળી ગયા બાદ નજીકના ગ્રોમોન્ટ એવન્યુ વિસ્તારમાં અચાનક ફાયરિંગ શરૂ થયું હતું, જેમાં 1 વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને 8 લોકો ઘાયલ થયા હતા. ઘટનાસ્થળે અનેક દુકાનદારો અને ફેરિયાઓ પણ હાજર હતા. પોલીસે ત્યાંથી અનેક હથિયારો જપ્ત કર્યા છે અને એક વ્યક્તિને કસ્ટડીમાં લઈને પૂછપરછ માટે પોલીસ હેડક્વાર્ટર ખસેડ્યો છે.

જ્યારે ડેલાવેરના નેવાર્ક શહેરમાં પણ શનિવારે રાત્રે 11:10 વાગ્યાની આસપાસ યુનિવર્સિટી ઓફ ડેલાવરના કેમ્પસ નજીક ગોળીબારની ભયાનક ઘટના બની હતી. જેમાં 6 લોકોને ગોળી વાગતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં લોકો જીવ બચાવવા માટે આમતેમ ભાગતા સ્પષ્ટ જોવા મળ્યા હતા. અંધાધૂંધ ફાયરિંગની આ ઘટનાને પગલે સુરક્ષાના ભાગરૂપે શહેરના મેઇન સ્ટ્રીટના એક ભાગને કલાકો સુધી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો હતો.