અયોધ્યાથી નેપાળ જવા માટે વિઝાની જરૂર નથી! 28 નવેમ્બરથી શરૂ થતી ટ્રેનમાં બસ સાથે રાખો આ 2 ડોક્યુમેન્ટ

November 23, 2026

અયોધ્યાથી નેપાળના જનકપુર ધામ વચ્ચે શરૂ થતી નવી સાપ્તાહિક ટ્રેન સેવા ભારત અને નેપાળ વચ્ચે ધાર્મિક પ્રવાસને વધુ સરળ બનાવશે. 28 નવેમ્બરથી મુસાફરો આ ટ્રેનમાં મુસાફરી કરી શકશે. ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યા અને માતા સીતાના જનકપુર ધામને જોડતી આ ટ્રેન 604 કિલોમીટરનું અંતર લગભગ 19 કલાકમાં કાપશે. જોકે, નેપાળ જવા માટે ભારતીય નાગરિકોને વીઝાની જરૂર પડશે કે નહીં અને કયા દસ્તાવેજો સાથે રાખવા પડશે તે જાણવું પણ જરૂરી છે.

ભારતીય નાગરિકોને નેપાળ જવા માટે વીઝાની જરૂર નથી. આ ટ્રેનમાં મુસાફરી કરવા માટે માન્ય મતદાર ઓળખપત્ર (Voter ID) અથવા પાસપોર્ટમાંથી કોઈ એક દસ્તાવેજ સાથે રાખવો જરૂરી રહેશે. સરહદ પાર કરતી વખતે જયનગર ખાતે મુસાફરોના ઓળખપત્રો અને જરૂરી દસ્તાવેજોની તપાસ કરવામાં આવશે. મુસાફરી દરમિયાન મૂળ ઓળખપત્ર સાથે રાખવું વધુ યોગ્ય રહેશે.

આ સાપ્તાહિક ટ્રેન અયોધ્યા કેન્ટ અને જનકપુર ધામ વચ્ચે દોડશે. ટ્રેન અયોધ્યા કેન્ટથી દર સોમવારે અને જનકપુર ધામથી દર શનિવારે ઉપડશે. બંને શહેરો વચ્ચેનું લગભગ 604 કિલોમીટરનું અંતર ટ્રેન લગભગ 19 કલાકમાં કાપશે.

ટ્રેનના મુખ્ય ટર્મિનલ સ્ટેશનો ઉપરાંત જયનગર, મધુબની, શિશો, સીતામઢી, રક્સૌલ, નરકટિયાગંજ, ગોરખપુર, બસ્તી, મનકાપુર અને અયોધ્યા ધામ ખાતે પણ સ્ટોપેજ આપવામાં આવશે. આ સ્ટોપેજને કારણે બિહાર અને ઉત્તર પ્રદેશના મુસાફરોને પણ નેપાળ જવા માટે વધુ સુવિધા મળશે. આ નવી ટ્રેન સેવા માત્ર ધાર્મિક પ્રવાસીઓ માટે જ નહીં, પરંતુ વેપાર, અભ્યાસ, પરિવાર સાથે મુલાકાત અને અન્ય કામ માટે ભારત-નેપાળ વચ્ચે મુસાફરી કરતા લોકો માટે પણ ઉપયોગી બની શકે છે. બંને દેશો વચ્ચે રામાયણ સાથે જોડાયેલા ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થળોને રેલવે દ્વારા જોડવાથી પ્રવાસનને પણ વેગ મળવાની અપેક્ષા છે.