CJPના 'તિરંગા માર્ચ' પર રોક લગાવવાનો હાઈકોર્ટનો ઈનકાર: દિલ્હી પોલીસે કહ્યું- ‘...તો કડક એક્શન લઈશું’

October 16, 2026

દિલ્હી હાઈકોર્ટે કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા 16 ઓક્ટોબરના રોજ કનોટ પ્લેસના સેન્ટ્રલ પાર્કમાં યોજાનાર 'તિરંગા માર્ચ' પર રોક લગાવવાની અરજી ફગાવી દીધી છે. દિલ્હી પોલીસે અદાલતને ખાતરી આપી હતી કે, વિરોધ પ્રદર્શનને નિયંત્રિત કરવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે તમામ જરૂરી કડક પગલાં લેવામાં આવશે, જેને હાઈકોર્ટે પોતાના રેકોર્ડ પર લીધી છે.

કનોટ પ્લેસના એક દુકાનદાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર કાર્યવાહક ચીફ જસ્ટિસ નીતિન વાસુદેવ સામ્બ્રે અને જસ્ટિસ સંજય શર્માની બેન્ચે સુનાવણી હાથ ધરી હતી. સુનાવણી દરમિયાન અરજદારના વકીલે પ્રદર્શન રોકવા વારંવાર દલીલો કરી હતી, જેના પર બેન્ચે ટકોર કરી હતી કે જિદ્દ ન કરો, અમે અમારો આદેશ પસાર કરી દીધો છે.

અરજદારના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, આ દશેરાવાળો વિકેન્ડ છે અને તહેવારોની મોસમ ચાલી રહી છે. પ્રદર્શનના કારણે જો કનોટ પ્લેસની દુકાનો બંધ રાખવી પડશે અને વેપારીઓને વધુ એક વિકેન્ડનું નુકસાન સહન કરવું પડશે, તો તમામ વેપારીઓ અને દુકાનદારો રસ્તા પર ઉતરી આવશે. તેમણે દલીલ કરી હતી કે, આ પ્રદર્શન સેન્ટ્રલ પાર્કની બરાબર વચ્ચે બોલાવવામાં આવ્યું છે, જેનાથી વેપારીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હોય તેવું લાગે છે અને આ જગ્યા વિરોધ પ્રદર્શન માટે યોગ્ય નથી.

સુનાવણી દરમિયાન એડિશનલ સોલિસિટર જનરલ ચેતન શર્માએ અદાલતને સ્પષ્ટતા કરી હતી કે, CJPના આ પ્રદર્શનને નિયંત્રિત કરવા માટે દિલ્હી પોલીસ દ્વારા જરૂરી તમામ પગલાં લઈ લેવામાં આવ્યા છે. તેમણે ખાતરી આપી હતી કે વહીવટીતંત્ર દ્વારા અરજદાર વેપારીઓની ચિંતાઓ અને મુદ્દાઓનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે.