ભાગેડુ લલિત મોદીને બ્રિટિશ નાગરિકત્વ મળ્યું : કહ્યું મારા માટે આ જ ઘર છે

November 16, 2026

લંડન : ઇંડીયન પ્રીમીયર લીગ (આઈ.પી.એલ.)ના સ્થાપક લલિત મોદીએ શનિવારે જાહેર કર્યું કે, તેઓને ૧૫મી સપ્ટેમ્બર ૨૦૨૬ના દિવસે સત્તાવાર રીતે બ્રિટિશ નાગરિકત્વ મળ્યું છે. એ મારા માટે જીવનની અસમાન્ય તેવી અંગત પળ હતી. ગર્વોન્નત ક્ષણ હતી.

૧૪મી નવેમ્બરે ઓક્સફર્ડ યુનિયનમાં બોલતાં તેમણે આ માહિતી આપી હતી. અને કહ્યું કે બ્રિટિશ નાગરિકત્વ મળતાં મેં મારાં કુટુમ્બીજનો અને મિત્રવૃંદ સાથે જશ્ન મનાવ્યો હતો. લલિત મોદીએ વધુમાં કહ્યું કે યુ.કે. વર્ષોથી તેઓનું ઘર રહ્યું છે. અહીંના લોકો સંસ્થાઓ અને પરંપરાઓને હું સન્માનથી જોઉં છું.

તેમણે વધુમાં કહ્યું કે બ્રિટિશ નાગરિક બનવું તે માત્ર વિશેષાધિકાર જ નથી પરંતુ એક જવાબદારી પણ છે. અને મેં ગર્વ કૃતજ્ઞાતા અને પોતાપણાની ગહન ભાવના સાથે બ્રિટિશ નાગરિકત્વ સ્વીકાર્યું છે.
તેમણે સોશ્યલ મીડીયા પર લખ્યું : ગર્વની ક્ષણ. એક નવો અધ્યાય. આજ ૧૪મી નવેમ્બરે મને ઓક્સફર્ડ યુનિયનને સંબોધિત કરવાનું સૌભાગ્ય મળ્યું. જે મારી જીંદગીનો એક મહત્ત્વનો પડાવ છે.

તેઓએ વધુમાં કહ્યું : મારી જીંદગીની સફર જુદી જુદી સંસ્કૃતિઓ અને અનુભવો સાથે ઘડાઈ છે. હું આ દેશમાં સકારાત્મક યોગદાન કરતો જ રહીશ, આ દેશને હું ગર્વપૂર્વક મારૂં ઘર કહું છું મને મહામહીમ કીંગ ચાર્લ્સ તૃતીયના જન્મદિને જ બ્રિટિશ નાગરિકતા મળી તેથી વધુ ધન્યતા અનુભવું છે. સાથે તેઓએ કહ્યું કે હું વહેલામાં વહેલી તકે ભારત પણ જવાનો છું.
તેઓએ આ પછી તેમનાં વક્તવ્યનું સમાપન ઇંગ્લેન્ડનાં રાષ્ટ્રગીતની પહેલી કંડિકા ગોડ સેવ ધ કીંગ સાથે કર્યું હતું.