UAE માં 23 વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, 14ના મોત, મૃતકોમાં એક ગુજરાતી સહિત 4 ભારતીયો સામેલ

November 16, 2026

સંયુક્ત આરબ અમીરાત (UAE) ના ફુજૈરાહ ખાતે શેખ ખલીફા બિન જાયદ રોડ પર એક અત્યંત ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. ટ્રક સહિત કુલ 23 વાહનો વચ્ચે સર્જાયેલી આ ભયાનક ટક્કરમાં 14 લોકોના કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે 30 લોકો ગંભીર રીતે ઘવાયા છે. મૃતકોમાં 4 ભારતીય નાગરિકોનો પણ સમાવેશ થાય છે, જેમાં કેરળના એક જ પરિવારના ત્રણ સભ્યો અને ગુજરાતના 13 વર્ષીય કિશોરનો સમાવેશ થાય છે.

આ દુર્ઘટનામાં ગુજરાતના 13 વર્ષીય બાળક આતિફ મોહમ્મદ ઇમરાન મન્સૂરનું કરૂણ મોત નીપજ્યું છે. આતિફ પોતાના પરિવાર સાથે યુએઈમાં રજાઓ માણવા અને ફરવા માટે ગયો હતો. અકસ્માત સમયે તેનો પરિવાર ભારત પરત ફરવા માટે ફુજૈરાહ ઇન્ટરનેશનલ એરપોર્ટ જઈ રહ્યો હતો, ત્યારે જ કાળનો પંજો ત્રાટક્યો હતો. આ દુર્ઘટનામાં આતિફના માતા-પિતા અને મોટી બહેન પણ ગંભીર રીતે ઘવાયા છે, જેમની હાલ સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

અકસ્માતમાં કેરળના મલપ્પુરમ જિલ્લાના વતની એવા એક જ પરિવારના ત્રણ સભ્યોએ જીવ ગુમાવ્યો છે. મૃતકોની ઓળખ મોહમ્મદ અસ્મિલ, તેમની જુડવા બહેન મિસ્ના જુબીન અને તેના ત્રણ વર્ષના ભાણેજ મોહમ્મદ ફૈયસ તરીકે થઈ છે.