કરાચીમાં 45 ગાર્ડ વચ્ચે રહેતો દાઉદ ડ્રગ્સ-હવાલાનું નેટવર્ક ચલાવે છે: પૂર્વ FBI એજન્ટનો દાવો

November 21, 2026

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ 70 વર્ષની ઉંમરે પણ પાકિસ્તાનમાં સક્રિય રહીને ડ્રગ્સ અને હવાલાનું નેટવર્ક ચલાવી રહ્યો હોવાનો દાવો પૂર્વ FBI એજન્ટ કામરાન ફરીદીએ એક પોડકાસ્ટમાં કર્યો હતો. ફિલ્મ 'ધુરંધર'માં બતાવાયેલા બીમાર અને નબળા દાઉદથી આ તસવીર સાવ અલગ છે. ફરીદીના કહેવા મુજબ દાઉદ ભારત અને પાકિસ્તાનના ડ્રગ્સ કારોબાર પર નજર રાખે છે.

ફરીદીએ જણાવ્યું હતું કે 2009માં FBIએ તેમને ડી-કંપનીમાં ઘૂસણખોરીનું કામ સોંપ્યું હતું. રશિયન માફિયાના સભ્ય બનીને તેઓ જાબિર મોતીવાલા મારફતે દાઉદ સુધી પહોંચ્યા હતા. તેમના દાવા મુજબ દાઉદ કરાચીના ક્લિફ્ટન વિસ્તારમાં રહે છે અને તણાવ વધે ત્યારે ઇસ્લામાબાદ સહિત ત્રણ સેફહાઉસ બદલતો રહે છે.

પાકિસ્તાની વર્તુળોમાં 'બડે સાહબ' તરીકે ઓળખાતો દાઉદ દિવસે ઘરની બહાર નીકળતો નથી. તે રાત્રે 10 વાગ્યા પછી બહાર આવે છે અને પરોઢ પહેલાં પાછો ફરે છે. ક્લિફ્ટનના ઘરે 35થી 45 હથિયારધારી ગાર્ડ અને પાક સેનાના SSG કમાન્ડો તૈનાત રહે છે. ઘરની પાછળનો રસ્તો ભીડવાળી મઝાર તરફ ખૂલે છે, જે કટોકટીમાં ભાગવા માટેનો માર્ગ છે.

વધુમાં, ફરીદીએ લશ્કરના પ્રમુખ હાફિઝ સઈદ સાથે દાઉદના ગાઢ વ્યાપારી સંબંધો હોવાનો દાવો કર્યો હતો. વૈભવી જીવન જીવતો દાઉદ અગાઉ મોંઘો દારૂ પીતો હતો, હવે કોકેન લે છે અને મુજરા જોવાનો શોખીન છે. તેણે પોતાનાથી 20 વર્ષ નાની મહિલા સાથે બીજા લગ્ન કર્યા છે, જેને 'આયશા ભાભી' કહેવાય છે. બીજી તરફ, ગેંગની કમાન સંભાળવા અંગે ભાઈ અનીસ ઇબ્રાહિમ અને છોટા શકીલ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે.