ઈવીએમ 100 ટકા ફૂલપ્રૂફ, કોંગ્રેસ નેતાના સવાલ પર ચૂંટણી પંચે આપ્યો જવાબ

October 15, 2024

દિલ્હી : હરિયાણા વિધાનસભા ચૂંટણી બાદ વિપક્ષી દળોએ એક વખત ફરી ઈવીએમમાં ગડબડીનો મુદ્દો ઉઠાવ્યો. ચૂંટણી પંચે આજે મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભા ચૂંટણીની તારીખોની પણ જાહેરાત કરી દીધી છે. મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે આ પહેલા કહ્યું કે 'જનતાએ ચૂંટણી પ્રક્રિયામાં ઉત્સાહભેર ભાગ લઈને જ તમામ સવાલોના જવાબ આપી દીધા છે. જ્યાં સુધી ઈવીએમની વાત છે તો આ 100 ટકા ફૂલપ્રૂફ છે. જો વિપક્ષ ફરીથી સવાલ ઊભા કરશે તો અમે તેમને જવાબ આપીશું.' કોંગ્રેસ નેતા રાશિદ અલવીએ કહ્યું હતું કે 'જે રીતે ઈઝરાયલે હિઝબુલ્લાહના પેજર્સને હેક કરી લીધા તે રીતે ઈવીએમને પણ હેક કરી શકાય છે. મહારાષ્ટ્રમાં વિપક્ષે દબાણ બનાવવું જોઈએ કે ચૂંટણી બેલેટ પેપર્સથી થાય. નહીંતર મહારાષ્ટ્રમાં પણ ભાજપની સરકાર અને ચૂંટણી પંચ કંઈ પણ કરી શકે છે. જો ઈઝરાયલ લોકોના વોકીટોકી અને પેજર્સને હેક કરી શકે છે તો ઈવીએમ કેમ હેક ન થઈ શકે'


ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીનું એલાન કરી દીધું છે. મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમારે બન્ને રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરતાં ફરી એકવાર ઈવીએમ પર ઊભા થયેલા સવાલોને ફગાવી દીધા છે. પેજરમાં બ્લાસ્ટ થઈ શકે છે તો ઈવીએમ શા માટે હેક ના થઈ શકે? આ સવાલનો જવાબ આપતાં મુખ્ય ચૂંટણી અધિકારીએ કહ્યું કે, અરે ભાઈ બન્નેમાં ફરક એ છે કે પેજર કનેક્ટેડ હોય છે, જ્યારે ઈવીએમ કનેક્ટેડ નથી હોતા.