દાહોદમાં બુથ કેપ્ચરિંગની ઘટનામાં FIR નોંધાશે, પ્રિસાઈડિંગ ઓફિસર સામે પણ કાર્યવાહીના ચૂંટણી પંચના સંકેત

May 08, 2024

દાહોદ : લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગઈકાલે ગુજરાતની 25 બેઠકો પર મતદાન પૂર્ણ થઈ ગયું છે, ત્યારે દાહોદના સંતરામપુરના એક ગામમાં બુથ કેપ્ચરિંગની મોટી ઘટનામાં બે લોકોની ધરપકડ કર્યા બાદ ચૂંટણી પંચે મહત્વનું નિવેદન જાહેર કર્યું છે.

દાહોદ બુથ કેપ્ચરિંગની ઘટના મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલ કહ્યું કે, સંતરામપુરના એક મતદાન કેન્દ્ર પરનો પોલિંગ બુથનો વીડિયો સામે આવ્યો હતો. આ મામલે પ્રાથમિક તપાસ કર્યા બાદ બુથ કેપ્ચરિંગ થયું હોવાનું જણાય છે અને અમે એસપી અને કલેક્ટર સાથે ચર્ચા કરી છે. આ મામલે ફરિયાદ નોંધવામાં આવશે.

સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીએ કહ્યું કે, આ મામલે રિટર્નિંગ ઓફિસરે જિલ્લા ચૂંટણી અધિકારીને પણ માહિતી આપી છે. જો આમાં પ્રિસાઈડિંગ ઓફિસરની ભૂલ હશે તો તેમની સામે પણ કાર્યવાહી કરાશે. રિટર્નિંગ ઓફિસરના રિપોર્ટના આધારે નિર્ણય લેવાશે. ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાની પરથપુર ગામમાં બુથ કેમ્પચર કરાયું હતું. આ ઘટનામાં ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે બુથ કર્મચારીઓને ધમકાવીને EVM કેપ્ચર કર્યું હતું. એટલું જ નહીં તેણે કેપ્ચરિંગ સોશિયલ મીડિયામાં પણ લાઈવ કરી હતી. ત્યારબાદ કોંગ્રેસ ઉમેદવાર પ્રભાબહેને જિલ્લા ચૂંટણી અધિકારીમાં ફરિયાદ નોંધાવી છે. બીજીતરફ ચૂંટણી પંચે બુથ કેપ્ચરિંગના વાયરલ વાડિયો મામલે જિલ્લા કલેક્ટર પાસેથી અહેવાલ મંગાવ્યો છે.