નર્મદા બાદ મચ્છુ નદીમાં એક યુવક અને બે સગીર ડૂબ્યા

May 15, 2024

મોરબી : ઉનાળાની સીઝનમાં લોકો દરિયા, નદી, વોટરપાર્કમાં ન્હાવા માટે જતા હોય છે. આ દરમિયાન ડૂબવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે બે જ દિવસમાં નદીમાં ડૂબવાની ત્રીજી મોટી ઘટના સામે આવી છે. ગઈકાલે પોઈચામાં આઠ લોકો ડૂબ્યા હતા, જ્યારે આજે(15 મે) મોરબીની મચ્છુ-2 ડેમ નજીક નદીમાં ન્હાવા પડેલા એક યુવક સહિત બે સગીર ડૂબ્યા છે. જ્યારે સુરતના ઇટાળવા ગામના તળાવમાં ડૂબી રહેલી કિશોરીને બચાવવા જતા મહિલા પણ ડૂબી હતી. જણાવી દઈએ કે, 10 દિવસમાં નવસારી, ભાવનગર અને પોરબંદરના દરિયામાં પણ આવી ઘટના બની હતી. આમ, 10 દિવસમાં કુલ 22 લોકો ડૂબ્યા હતા.

મોરબીની મચ્છુ નદીમાં ત્રણ ડૂબ્યા, તરવૈયાઓએ શોધખોળ હાથ ધરી : મોરબીના મચ્છુ 2 ડેમમાંથી પાણી છોડાતા સાદુળકા પાસેનો મચ્છુ 3 ડેમ પણ છલકાતા તેના દરવાજા ખોલાયા હતા. ત્યારે આજે સાદુળકા પાસેના ડેમના નીચાણવાળા વિસ્તારમાં નદીમાં ન્હાવા ગયેલા 3 લોકો ડૂબ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર, પ્રથમ એક યુવાન ડૂબ્યા બાદ તેને બચવા જતા બે સગીર પણ ડૂબ્યા હતા. અહીં કુલ 7 જેટલા યુવાન અને સગીર ન્હાવા આવ્યા હતા.

જેમાંથી પરમાર ચિરાગ (ઉં.20), ભંખોડિયા ધર્મેશ (ઉં.16) અને ભંખોડિયા ગૌરવ (ઉં.17) નામના સગીર પાણીમાં ડૂબ્યા છે. મોરબીમાં મચ્છુ-2 ડેમ નજીક નદીમાં ન્હાવા પડ્યા બાદ ડૂબી ગયેલા એક યુવક અને બે સગીરની શોધખોળ હાથ ધરાઈ છે. ફાયર વિભાગ અને તરવૈયાઓ દ્વારા હજુ પણ ચાલુ છે. બીજી તરફ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ પંજાબથી તંત્ર સાથે વાત કરી ડૂબેલા યુવાનોની શોધખોળ માટે જરૂરી તમામ પગલા લેવા સુચના આપી છે. જ્યારે ડેપ્યુટી કલેકટર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવી બચાવ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું.

સુરતના ઇટાળવામાં ગામે તળાવમાં કિશોરીને બચાવવા જતા મહિલા પણ ડૂબી, બંનેના મોત : આજે(15 મે) સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં ઇટાળવા ગામે એક તળાવમાં ન્હાવા ગયેલી રહેલી કિશોરી ડૂબવા લાગી હતી. જોકે કિશોરીને બચાવવા ગયેલા દંપતી પૈકી મહિલા પણ ડૂબી ગઈ હતી. પતિ અન્ય બે બાળકોને બહાર કાઢી લાવ્યો હતો. પરંતુ તેની પત્ની અને અન્ય એક કિશોરીને બચાવી શક્યો ન હતો. મહિલા અને કિશોરીનું ડૂબી જવાથી મોત નીપજતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.

નર્મદાના પોઈચા નર્મદા નદીમાં આઠ લોકો ડૂબ્યા, એકનો બચાવ : ગઈકાલે (14 મે) નર્મદા જિલ્લાના પોઇચા ગામ પાસે સ્વામિનારાયણ મંદિર તેમજ અન્ય ધાર્મિક સ્થાનોમાં દર્શન માટે આવેલા અમરેલીનાં મૂળ વતની અને હાલ સુરત રહેતા પરિવારના આઠ સભ્યો નર્મદા નદીમાં ન્હાવા ગયા હતા. ત્યારે તેઓ નદીના ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા. જેમાંથી સ્થાનિકોએ એકને ડૂબતા બચાવ્યો હતો. જ્યારે સાત લોકો ગુમ થયા હતા. જેમાંથી બુધવારે સાંજ સુધીમાં બે મૃતદેહ મળી આવ્યા છે. હજુ અન્ય પાંચ લોકોની શોધખોળ ચાલી રહી છે.