માર્ચમાં મે મહિના જેવી ગરમી : આજે પણ આકાશમાંથી આગ વરસશે, હવામાન વિભાગની આગાહી

March 12, 2025

રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી ગરમીનું મોજું ફરી વળ્યું છે. માર્ચના પ્રથમ પખવાડિયામાં જ મે મહિના જેવી તોબા પોકારતી ગરમીનો કહેર વર્તાતા શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા છે. દિવસે વધેલી ગરમીનું અસર રાત્રિના સમયે પણ રહી હતી. હવામાન વિભાગ દ્વારા આજે 12 માર્ચે 9 જિલ્લામાં ઓરેન્જ જ્યારે 3 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. જેના ભાગરૂપે રાજ્યમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી જતા લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠયા હતા.

છેલ્લા એક સપ્તાહથી ગરમીનો પારો સતત ઊંચો ચડતો જાય છે. છેલ્લા ત્રણ દિવસથી હિટવેવના કારણે શહેરીજનો હેરાન પરેશાન થઇ રહ્યા છે. બુધવારે તો તાપમાન 4૦ ડિગ્રીને પણ ક્રોસ કરી ગયું હતું જેના પગલે સવારથી જ ગરમીનો અહેસાસ લોકોને થવા લાગ્યો હતો. લૂ લાગે તેવી ગરમીના કારણે શહેરીજનો કામ વગર બહાર નીકળવાનું ટાળતા હતાં.

હવામાન વિભાગ દ્વારા આજે અમદાવાદ, ગાંધીનગર, આણંદ, કચ્છ, બનાસકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ અને સુરતમાં 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે પોરબંદર, ભાવનગર અને સાબરકાંઠામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે 12 માર્ચ, 2025ના રોજ રાજ્યના ચાર જિલ્લામાં હીટવેવની ચેતવણીને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં બનાસકાંઠા, રાજકોટ, કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં હીટવેવની આગાહી છે.

AMCના હીટ એક્શન પ્લાનને લઈને અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડે ઉનાળું વેકેશન સુધી શાળાના સમયમાં ફેરફાર કર્યો છે. શિક્ષણ બોર્ડે સવાર પાળીનો સમય 7થી 12 અને બપોર પાળીનો સમય 12થી 5 સુધીનો કર્યો છે. નોંધનીય છે કે, 5 મેથી ઉનાળુ વેકેશન શરુ થવાનું છે. ત્યારે ઉનાળુ વેકેશન શરુ ન થાય ત્યાં સુધી તમામ શાળાઓએ સવાર પાળી અને બપોર પાળી માટે આ જ સમયનું પાલન કરવાનું રહેશે. 

રાજ્યમાં આગામી ચાર દિવસ હીટવેવની હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે હીટવેવના કારણે શું અસર થાય છે તે જાણીએ. હીટવેવમાં ઉચ્ચ તાપમાન, લાંબા સમય સુધી સૂર્યપ્રકાશના સંપર્કમાં રહેલા અથવા ભારે કામ કરતાં લોકોમાં ગરમીની બીમારીના લક્ષણોની શક્યતા વધી જાય છે. જેમાં નબળા લોકો સહિત બાળકો, વૃદ્ધો ક્રોનિક રોગ ધરાવતા લોકોમાં આરોગ્યની ચિંતા રહે છે.

- ગરમીના સંપર્કમાં આવવાનું ટાળો.

- તરસ ન લાગી હોય તો પણ પૂરતું પાણી પીવો.

- પોતાને હાઇડ્રેટેડ રાખવા માટે ORS, લસ્સી, ચોખાનું પાણી (તોરાની), લીંબુ પાણી, છાશ વગેરે જેવા ઘરે બનાવેલા પીણાંનો ઉપયોગ કરો.