સુરતમાં કારચાલકે રોડ પર જતાં શાકભાજીની લારીવાળાને ઉલાળ્યો, ગંભીર ઈજાઓ થતાં મોત નીપજ્યું

April 04, 2023

સુરત શહેરમાં છાશવારે અકસ્માતના બનાવો સામે આવતા રહે છે. ત્યારે ડીંડોલી વિસ્તારમાં એક હિટ એન્ડ રનની ઘટના બની છે. શાકભાજીની લારી ચલાવી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતાં યુવકને અજાણ્યા કારચાલકે અડફેટે લેતા તેનું મોત નીપજ્યું છે. બીજી તરફ આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ સીસીટીવી ફૂટેજ રુવાંટાં ઊભાં કરી દેનારા છે. તો બીજી તરફ દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.

સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા વસંતલાલ મેવાલાલ ગુપ્તા શાકભાજીના વેપારી છે. તેઓને 4 સંતાનો છે. જે પૈકી 22 વર્ષીય અંકિત પણ શાકભાજીની લારી ચલાવી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. ગત રવિવારે અંકિત ડીંડોલી સ્થિત આરજેડી પ્લાઝા પાસેથી શાકભાજીની લારી લઈને પસાર થઇ રહ્યો હતો તે વેળાએ પાછળથી આવેલી કારે તેને જોરદાર ટક્કર મારી હતી જેથી તેને માથા, પગ અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી.