છેલ્લા બે વર્ષમાં હોમ લોનમાં 10 લાખ કરોડનો વધારો : RBI

May 06, 2024

છેલ્લા બે વર્ષમાં દેશમાં મુદત વીતિ હોમ લોનનો આંકડો અંદાજે 10 લાખ કરોડ રૂપિયાની વૃદ્ધિ સાથે આ વર્ષે માર્ચમાં રૂ. 27.23 લાખ કરોડની રેકોર્ડ સપાટીએ પહોંચ્યો હોવાનું 'સેક્ટોરલ ડેપ્લોયમેન્ટ ઑફ બેન્ક ક્રેડિટ' અંગેનો રિઝર્વ બેંકનો ડેટા દર્શાવે છે.

બેન્કિંગ અને રિયલ એસ્ટેટ સેક્ટર્સના નિષ્ણાતો હોમ લોનમાં થયેલી આ વૃદ્ધિને કોરોના મહામારી બાદ રેસિડેન્શિયલ પ્રોપર્ટી માર્કેટમાં જોવા મળેલા તીવ્ર ઉછાળાને આભારી ગણાવી છે. સેક્ટોરલ ડેપ્લોયમેન્ટ ઑફ બેન્ક ક્રેડિટ અંગેના રિઝર્વ બેંકના માર્ચ, 2024ના ડેટા મુજબ માર્ચ, 2022માં હોમ લોનનો આંકડો રૂ. 17,26,697 કરોડ હતો, જે માર્ચ, 2023માં વધીને રૂ. 19,88,532 કરોડ અને માર્ચ, 2024માં રૂ. 27,22,720 કરોડ થયો હતો.

ડેટાથી એમ પણ જાણવા મળ્યું કે કોમર્શિયલ રિયલ એસ્ટેટ માટેની લોનનો આંકડો માર્ચ, 2022માં રૂ. 2,97,231 કરોડ હતો, જે માર્ચ, 2024માં વધીને રૂ. 4,48,145 કરોડ થયો હતો. છેલ્લા બે નાણાકીય વર્ષમાં હાઉસિંગના વેચાણ અને કિંમતોમાં નોંધપાત્ર વધારો થયો છે.