બેઇજિંગને પછાડીને મુંબઇ એશિયાનું બિલિયોનેર કેપિટલ

March 27, 2024

ભારતની આર્થિક રાજધાની ગણાતા મુંબઇ શહેરે તેની યશકલગીમાં વધુ એક છોગું ઉમેર્યું છે. મુંબઇ 92 અબજપતિઓ સાથે ચીનની રાજધાની બેઇજિંગને પાછળ છોડીને એશિયાનું નવું બિલિયોનેર કેપિટલ બની ગયું છે. મુંબઇમાં અબજપતિઓની સંખ્યામાં 26નો ઉમેરો થયો છે જ્યારે બેઇજિંગમાં 18 અબજપતિ ઘટયા છે. હુરુન રિસર્ચ ઇન્સ્ટિટયૂટના લેટેસ્ટ રિપોર્ટ મુજબ વિશ્વમાં સૌથી વધુ અબજપતિઓ ધરાવતા દેશોમાં ભારત કુલ 271 અબજપતિઓ સાથે ત્રીજા ક્રમે છે.

વિશ્વમાં હાલ કુલ 3,279 અબજપતિઓ છે. ગત વર્ષે અબજપતિઓની સંખ્યામાં 167નો ઉમેરો થયો છે. ચીન 814 અબજપતિઓ સાથે વિશ્વમાં પ્રથમ ક્રમે યથાવત છે. જોકે ચીનમાં અબજપતિઓની સંખ્યામાં 155નો ઘટાડો થયો છે જ્યારે ભારતમાં ગત વર્ષે નવા 100 અબજપતિઓ ઉમેરાયા છે. ભારતમાં અબજપતિઓની સંખ્યામાં વધારો આર્થિક આત્મવિશ્વાસને પ્રતિબિંબિત કરે છે, જેમાં મુંબઇ દેશની વધતી જતી સમૃદ્ધિના પ્રતીક તરીકે ઊભરી રહ્યું છે.

આ ઉપરાંત અબજપતિઓ માટેના ટોચના 10 શહેરોમાં નવી દિલ્હીનો પહેલીવાર પ્રવેશ ગ્લોબલ વેલ્થ મેપ પર ભારતનું વધતું જતું મહત્વ રેખાંકિત કરે છે. રિપોર્ટમાં જણાવાયું હતું કે ભારત માટે પાછલું વર્ષ ઘણું મજબૂત રહ્યું છે. અર્થતંત્રમાં વિશ્વાસ રેકોર્ડ સ્તરે વધ્યો છે. હુરુન લિસ્ટના ઇતિહાસમાં પ્રથમ વખત મુંબઇ એશિયાનું બિલિયોનેર કેપિટલ બન્યું અને સાથોસાથ બેઇજિંગને પાછળ છોડીને વૈશ્વિક સ્તરે ટોચના ત્રણ શહેરોમાં પહોંચી ગયું.

એલન મસ્કે વિશ્વમાં સૌથી ધનાઢય વ્યક્તિ તરીકે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી 10મા સ્થાને છે. એશિયાના ધનિકોમાં તેઓ મોખરે છે. ગૌતમ અદાણી તેમની સંપત્તિમાં 62 ટકા વૃદ્ધિ સાથે 15મા ક્રમે જ્યારે સીરમ ઇન્સ્ટિ.ના સાયરસ પૂનાવાલા 55મા, સન ફાર્માના દિલીપ સંઘવી 61મા જ્યારે આદિત્ય બિરલા ગ્રૂપના કુમારમંગલમ બિરલા અને એવન્યૂ સુપરમાટ્ર્સના રાધાકિશન દમાની 100મા ક્રમે રહ્યા હતા.