Mumbaiના MNCનાં રિટાયર્ડ ડાયરેક્ટરે સાઇબર ફ્રોડમાં રૂ. 25 કરોડ ગુમાવ્યા

April 27, 2024

મુંબઇમાં રહેતાં એક મલ્ટિનેશનલ કંપની (MNC)નાં રિટાયર્ડ ડાયરેક્ટરે સાઇબર ફ્રોડમાં 25 કરોડ રૂપિયા ગુમાવ્યા છે. સાઇબર ગઠિયાઓએ સીબીઆઈ અને પોલીસના અધિકારીઓ તરીકેની ઓળખ આપીને તેમને ડરાવ્યા હતા કે મની લોન્ડરિંગના એક કેસમાં તેમની સામે તપાસ ચાલી રહી છે.

મુંબઇ પોલીસના જણાવ્યાનુસાર મુંબઇમાં કોઈ વ્યક્તિને ટાર્ગેટ બનાવીને કરાયેલું તાજેતરના સમયનું આ સૌથી મોટું સાઇબર ફ્રોડ છે. પીડિતાએ સાઇબર ગઠિયાઓને પૈસા ચૂકવવા પોતાના અને પોતાની માતાના શેર તથા મ્યુચ્યુઅલ ફંડના રોકાણો વેચી દીધા હતા તેમ જ ગોલ્ડ લોન પણ લીધી હતી. સાઇબર ફ્રોડ ગત 6 ફેબ્રુઆરીથી શરૂ થઈને બે મહિનાના ગાળામાં થયું.

મુંબઇના એક પિૃમી ઉપનગરમાં રહેતાં MNCનાં રિટાયર્ડ ડાયરેક્ટરને એક વોટ્સએપ કૉલ આવ્યો હતો અને કૉલરે ટેલિકોમ ડિપાર્ટમેન્ટના અધિકારી તરીકે ઓળખ આપી તેમને એમ કહ્યું હતું કે તેમના ત્રણ મોબાઇલ નંબર ડીએક્ટિવેટ થઈ જશે. સિનિયર સિટિઝન પીડિતાએ કારણ પૂછતાં કૉલરે કહ્યું કે તે એક પોલીસ અધિકારીને કૉલ કનેક્ટ કરી રહ્યો છે.

ત્યાર બાદ અન્ય એક શખ્સે પોલીસ અધિકારી હોવાનો ડોળ કરતા વાત શરૂ કરી કહ્યું હતું કે તેમને પીડિતા સામે મની લોન્ડરિંગની ફરિયાદ મળી છે. પીડિતાના મોબાઇલ નંબર અને આધાર કાર્ડ કેસ સાથે લિંક હોવાનું જણાયું છે. ત્યાર બાદ કૉલરે અન્ય શખ્સને કૉલ ટ્રાન્સફર કર્યો, જેણે સીબીઆઇ ઓફિસર તરીકે ઓળખ આપી પીડિતાને મની લોન્ડરિંગ કેસની ધમકી આપતા જણાવ્યું કે, તમે આ કેસથી છૂટવા માગતા હોય તો હું કહું એ બેન્ક એકાઉન્ટ્સમાં પૈસા જમા કરાવો, જે પૈસા તમને પરત મળી જશે.