ટી 20 વર્લ્ડકપમાં આતંકી હુમલાની ધમકી: IS ખોરાસાને વેસ્ટઈન્ડિઝને મોકલ્યો વીડિયો, એજન્સીઓ એલર્ટ

May 07, 2024

આઈસીસી ટી 20 વર્લ્ડ કપ 2024  પહેલી જૂનથી 29મી જૂન સુધી વેસ્ટઈન્ડિઝ અને અમેરિકામાં રમાશે. આ વર્લ્ડ કપની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે, પરંતુ આ દરમિયાન જે સમાચાર સામે આવ્યા છે તે ખૂબ જ ચિંતાજનક છે. અહેવાલો અનુસાર,આતંકી સંગઠન IS (પ્રો-ઈસ્લામિક સ્ટેટ) ખોરાસાને T20 વર્લ્ડ કપ દરમિયાન આતંકી હુમલાની ધમકી આપી છે. ત્રિનિદાદ અને ટોબેગોના વડાપ્રધાન કીથ રાઉલીએ કહ્યું કે, 'આતંકવાદી સંગઠને વેસ્ટઈન્ડિઝ સહિત ઘણાં દેશોને વીડિયો સંદેશ મોકલ્યા છે.' અહેવાલો અનુસાર, 'પ્રો-ઇસ્લામિક સ્ટેટ (IS)એ રમતગમતના કાર્યક્રમો દરમિયાન હિંસાની ધમકી આપી છે. આઈએસ ખોરાસાનની અફઘાનિસ્તાન-પાકિસ્તાન બ્રાન્ચે એક વીડિયો સંદેશ જાહેર કર્યો છે. ક્રિકેટ વેસ્ટઈન્ડિઝ (CWI)ના સીઈઓ જોની ગ્રેવ્સે કહ્યું, 'અમે અધિકારીઓ સાથે મળીને કામ કરી રહ્યા છીએ. અમે ખાતરી કરીશું કે યજમાન દેશો અને શહેરો સમગ્ર વિશ્વ કપ દરમિયાન સતત દેખરેખ હેઠળ છે અને અમે કોઈપણ સંભવિત જોખમોનો સામનો કરવા તૈયાર છીએ. આ એજન્સીઓ એલર્ટ કરી દેવામાં આવી છે' આ આતંકી હુમલાની ધમકી પર બીસીસીઆઈના વાઈસ પ્રેસિડેન્ટ રાજીવ શુક્લાએ જણાવ્યું હતું કે, 'જે દેશોમાં વર્લ્ડ કપ રમાય છે ત્યાંની સુરક્ષા એજન્સીઓ સુરક્ષાની જવાબદારી સંભાળે છે. અમેરિકા અને વેસ્ટઈન્ડિઝની સુરક્ષા એજન્સીઓ સાથે વાતચીત કરવામાં આવશે. અમે આસીસી પાસેથી પણ જાણીશું. ખેલાડીઓ અને દર્શકોની સુરક્ષા માટે જે પણ પગલાં ભરવાની જરૂર પડશે તે અમે લઈશું.'