ન્યૂઝીલેન્ડ 18 મહિનામાં બીજી વખત મંદીમાં ગરકાવ

March 23, 2024

અમદાવાદ : કોરોના મહામારી સમયે દરેક દેશે આપેલા આર્થિક સપોર્ટની નકારાત્મક અસરો હવે ૩-૪ વર્ષે તેમના અર્થતંત્ર પર જોવા મળી રહી છે. અમેરિકા, બ્રિટન, યુરોઝોન અને હવે ન્યૂઝીલેન્ડની હાલત પણ ખૂબ જ કપરી થઈ ગઈ છે. ન્યૂઝીલેન્ડ ૧૮ મહિનામાં બીજી વખત મંદીમાં સપડાયો છે. ન્યૂઝીલેન્ડના સત્તાવાર આર્થિક આંકડા અનુસાર દેશની અર્થવ્યવસ્થા ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન ૦.૧ ટકા સંકોચાઈ છે. આ સિવાય માથાદીઠ આવક ધોરણે પણ ૦.૭ ટકાનો ઘટાડો થયો છે. ન્યૂઝીલેન્ડની સત્તાવાર આંકડાકીય એજન્સી સ્ટેટ્સ એનઝેડએ ૨૦૨૩ના અંતિમ ક્વાર્ટર માટે જાહેર કરેલા આંકડાઓએ પુષ્ટિ કરી છે કે ન્યૂઝીલેન્ડની અર્થવ્યવસ્થા દોઢ વર્ષમાં બીજી વખત મંદીમાં આવી છે. અગાઉ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં પણ આ દેશના જીડીપીમાં ૦.૩ ટકાનો ઘટાડો અને ડિસેમ્બર કવાર્ટરમાં ૦.૧ ટકાનો ઘટાડો મંદીની વ્યાખ્યાને પૂર્ણ કરે છે. સ્ટેટ્સ એનઝેડ અનુસાર, ન્યૂઝીલેન્ડે છેલ્લા પાંચમાંથી ચાર ત્રિમાસિક ગાળામાં નકારાત્મક જીડીપીના આંકડા રજૂ કર્યા છે. છેલ્લા ૧૮ મહિનામાં ન્યૂઝીલેન્ડમાં આ બીજી મંદી છે. વાર્ષિક વિકાસ દરની વાત કરીએ તો તેમાં માત્ર ૦.૬ ટકાનો વધારો થયો છે. છેલ્લા પાંચ ક્વાર્ટરમાં માથાદીઠ આંકડામાં સરેરાશ ૦.૮ ટકાનો ઘટાડો નોંધાયો છે. અત્રે નોંધનીય છે કે ન્યૂઝીલેન્ડની સેન્ટ્રલ બેંકે ફ્લેટ ટૂ નેગેટીવ વૃદ્ધિદર સાથે મંદીની અપેક્ષા સેવી હતી. આ સાથે હવે રેગ્યુલેશન મિનિસ્ટર ડેવિડ સીમોરે કહ્યું કે વર્તમાન આર્થિક પરિસ્થિતિને કારણે દેશના આગામી બજેટમાં કાપ મુકવામાં આવશે અને સરકારી કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરવામાં આવશે.