ઉત્તરાખંડના જંગલોમાં ભીષણ આગ

April 27, 2024

ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના જંગલોમાં આગ ફાટી નીકળી છે. 26મી એપ્રિલે આ આગ લાગી હતી, જે ફેલાઈને નૈનીતાલમાં હાઈકોર્ટ કોલોની પાસે પહોંચી ગઈ હતી. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સંબંધિત અધિકારીઓને એલર્ટ રહેવા કહ્યું છે. જો કે, આ ઘટના અંગે રૂદ્રપ્રયાગમાંથી ત્રણ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. તેમના પર જંગલમાં આગ લગાડવાનો આરોપ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના વિવિધ ભાગોમાંથી જંગલમાં આગના 31 નવા કેસ નોંધાયા છે.

અહેવાલો અનુસાર, નૈનીતાલ જિલ્લાના બલદિયાખાન, જ્યોલિકોટ, મંગોલી, ખુરપાતાલ, દેવીધુરા, ભવાલી, પાઈન્સ, ભીમતાલ અને મુક્તેશ્વર સહિત અનેક વિસ્તારો આગની લપેટમાં છે. 26મી એપ્રિલના રોજ આગ વધુ ઝડપથી ફેલાઈ હતી. પાઈન્સ વિસ્તારમાં આવેલી હાઈકોર્ટ કોલોની સુધી આગ પહોંચવાનો ભય છે. નૈનીતાલના ડિવિઝનલ ફોરેસ્ટ અધિકારી ચંદ્રશેખર જોશીએ જણાવ્યું હતું કે, 'અમે મનોરા રેન્જના 40 સૈનિકો અને બે ફોરેસ્ટ રેન્જર્સને આગ ઓલવવા મોકલ્યા છે.'

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પોતે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને આગ ઓલવવાના કામ પર પણ સતત નજર રાખી રહ્યા છે. આગ પર કાબૂ મેળવવા માટે હેલિકોપ્ટર ભીમતાલ તળાવમાંથી પાણી ભરીને જંગલમાં છાંટવામાં આવી રહ્યું છે.