'મશીન-બશીન આપણા બાપનું જ..', ભાજપના નેતાના પુત્રએ EVM કેપ્ચર કરીને વીડિયો લાઈવ કર્યો

May 08, 2024

ગુજરાત સહિત દેશના 11 રાજ્યોની 93 બેઠક મંગળવાર (સાતમી મે)એ મતદાન થયું હતું. ગુજરાતમાં પાંચ વિધાનસભા સાથે 25 લોકસભા માટે શાંતિપૂર્ણ મતદાન થયું હતું. જોકે દાહોદ લોકસભા બેઠક પર ઈવીએમ કેપ્ચરીંગની ઘટના સામે આવી હતી. જેનો વીડિયો પર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ ઈવીએમ કેપ્ચરીંગ બીજા કોઈએ નહીં પણ ભાજપ નેતાના જ પુત્ર વિજય ભાભોરે કર્યું છે. જોકે વીડિયો વાયરલ થતા પોલીસ દોડતી થઈ છે. હાલ માહિતી મળી રહી છે કે, વિજય અને અન્ય એક શખ્સની પોલીસે અટકાયત કરી છે.

દાહોદ લોકસભા બેઠકના મતવિસ્તાર મહીસાગરના સંતરાપુર તાલુકાના પરથમપુર ગામમાં ભાજપના નેતાના પુત્ર વિજય ભાભોરે બૂથ કર્મચારીઓને ધમકાવીને ઈવીએમ કેપ્ચર કર્યું હતું. એટલું જ નહીં વિજય ભાભોરે મતદાન મથક પરથી જ તેમના સોશિયલ મીડિયામાં પ્લેટફોર્મ પર આખી ઘટનાનો વીડિયો લાઈવ કર્યો હતો. આ વીડિયોમાં વિજય ભાભોર કહી રહ્યો છે કે  '5-10 મિનિટ ચાલે તે ચાલવા દો આપણે બેઠા છીએ. વિજય ભાભોર એટલે વાત ખલાસ, મશીન-બશીન આપણા બાપનું જ છે.'

સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી રહી છે કે વિજય ભાભોરે અન્ય લોકો સાથે મળીને બોગસ મતદાન કરાવ્યું છે. જો કે આ મામલે કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ડૉ. પ્રભાબેન તાવિયાડે ફરિયાદ કરી છે. ચૂંટણી પંચે જિલ્લા કલેક્ટર પાસેથી આ મામલે રીપોર્ટ મંગાવ્યો હતો. હવે રીપોર્ટના આધારે ચૂંટણી પંચ નિર્ણય કરશે. આ વીડિયોની તપાસ કરવામાં આવશે. જોકે વિવાદ ઉભો થયા બાદ વિજય ભાભોરે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી વીડિયોને હટાવી દીધો છે.