જમ્મુ - કાશ્મીરના રામબનમાં જમીન ધસી જવાથી 50થી વધુ ઘરમાં તિરાડો

April 27, 2024

જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં જમીન ધસી જવાને કારણે 50થી વધુ મકાનો, ચાર પાવર ટાવર, એક રીસીવિંગ સ્ટેશન અને એક મુખ્ય માર્ગને નુકસાન થયું છે. અધિકારીઓએ આ ઘટના અંગે માહિતી આપી છે. રામબનના ડેપ્યુટી કમિશનર બસીર-ઉલ-હક ચૌધરીએ જિલ્લા મુખ્યાલયથી લગભગ 5 કિમી દૂર પરનોટ ગામની મુલાકાત લીધી હતી અને અસરગ્રસ્ત પરિવારોને સહાય અને વીજળી સહિત આવશ્યક સેવાઓ પુનઃસ્થાપિત કરવાની ખાતરી આપી હતી.

જ્યારે પરનોટ ગામમાં મકાનોમાં તિરાડો દેખાવાનું શરૂ થયું ત્યારે પરિસ્થિતિ વધુ વણસી ગઈ અને તેના કારણે ગુલ અને રામબન વચ્ચેનો મહત્વપૂર્ણ માર્ગ સંપર્ક ખોરવાઇ ગયો. ભૂસ્તરશાસ્ત્રના નિષ્ણાતોને જમીનમાં ધસી પડવા પાછળનું કારણ શોધવા માટે બોલાવવામાં આવ્યા છે, જ્યારે જિલ્લા અધિકારીઓની એક ટીમને પુનર્વસન પ્રયાસો અને સેવાઓની પુનઃસ્થાપન પર દેખરેખ રાખવા માટે તૈનાત કરવામાં આવી છે.