કર્ણાટકના ચિક્કબલ્લાપુરામાં 4.8 કરોડ રોકડા જપ્ત : ભાજપ ઉમેદવાર સુધાકર સામે FIR

April 27, 2024

કર્ણાટકના ચિક્કબલ્લાપુરાની ફ્લાઇંગ સર્વેલન્સ ટીમે 4.8 કરોડની રોકડ રકમ જપ્ત કરી છે. ચિક્કબલ્લાપુરા ક્ષેત્રની એફએસટી ટીમે ભાજપ ઉમેદવાર કે. સુધાકર સામે મદનાયકનહલ્લી પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર દાખલ કરાવી છે. જેમાં ભાજપના ઉમેદવાર સામે રુશવત અને ચૂંટણીમાં અયોગ્ય પ્રભાવ પાડવાનો આરોપ કરાયો છે. 

ચૂંટણીઓમાં ગેરરીતિ અટકાવવા માટે ચૂંટણી પંચે ઘણાં પગલાં ભર્યાં છે, તેમાં અમુક હદથી વધારે રોકડ રકમ લાવવા લઈ જવા સામે પ્રતિબંધ છે. આમ છતાં, ચૂંટણીની તારીખોની જાહેરાત થયા બાદ દેશમાં ઘણી જગ્યાએથી રોકડ સ્વરૂપની મસમોટી રકમ જપ્ત કરવામાં આવી હતી, તેમાં એક વધુ બનાવનો ઉમેરો થયો છે.

કર્ણાટકના મુખ્ય ચૂંટણી અધિકારીએ સોશિયલ મીડિયા એક્સ પર જણાવ્યું કે ચિક્કબલ્લાપુરાના યેલહંકામાં 4.8 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટમાં કહેવાયું છે કે દરોડા દરમિયાન ગોવિંદપ્પાના ઘરેથી 500 રૂપિયાનાં ઘણાં બંડલ મળ્યાં હતાં.