ફોરેકસ રિઝર્વ 642 અબજ ડોલરની વિક્રમી ટોચે

March 23, 2024

મુંબઈ : વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફપીઆઈ)ના ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઈન્ફલોઝને પરિણામે ૧૫મી માર્ચના સમાપ્ત થયેલા સપ્તાહના અંતે દેશનું ફોરેકસ રિઝર્વ વધી ૬૪૨ અબજ ડૉલરની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યું છે. ફોરેકસ રિઝર્વમાં સતત ચોથા સપ્તાહમાં વધારો જોવા મળ્યો છે.  ૧૫મી માર્ચના સપ્તાહમાં ફોરેકસ રિઝર્વ ૬.૩૯ અબજ ડોલર વધી ૬૪૨.૪૯ અબજ ડોલર થયું છે.   તે પહેલાના સપ્તાહમાં ફોરેકસ રિઝર્વમાં ૧૦.૪૭ અબજ ડોલરનો વધારો થયો હતો. આ અગાઉ ૨૦૨૧ના  ૮ સપ્ટેમ્બરના સપ્તાહમાં ફોરેકસ રિઝર્વનો આંક ૬૪૨.૪૫ અબજ ડોલર જોવાયો હતો જે અત્યારસુધીનો ઓલ ટાઈમ હાઈ હતો. બે સપ્તાહમાં ફોરેકસ રિઝર્વમાં ૧૬.૮૬ અબજ ડોલરનો ઉમેરો જોવા મળ્યો છે. વૈશ્વિક ઘટનાક્રમોને પગલે રૂપિયા પર આવેલા દબાણને પરિણામે રિઝર્વ બેન્કે કરવી પડેલી દરમિયાનગીરીથી ફોરેકસ રિઝર્વમાં ઘટાડો થયો હતો. દેશનું ગોલ્ડ રિઝર્વ પણ ૪૨.૫૦ કરોડ ડોલર વધી ૫૧.૧૪ અબજ ડોલર રહ્યું હોવાનું રિઝર્વ બેન્કના આંકડા જણાવે છે. યુરો, પાઉન્ડ તથા યેન જેવા બિન-ડોલર ચલણોમાં વધઘટની અસરને પ્રદર્શિત કરતી ફોરેન કરન્સી એસેટસ વધી ૫૬૮.૩૮ અબજ ડોલર રહી છે. ભારતીય અર્થતંત્રનો વિકાસ દર વર્તમાન નાણાં વર્ષમાં ૭.૬૦ ટકા રહેવા અપેક્ષા છે. જે વિશ્વના અન્ય દેશોમાં સૌથી વધુ છે. અર્થતંત્રની મજબૂત સ્થિતિને કારણે ૨૦૨૩માં વિદેશી ફન્ડોએ ભારતીય ઈક્વિટીઝમાં ૨૦.૭૦ અબજ ડોલરનો ઈન્ફલોઝ ઠાલવ્યો છે. વર્તમાન વર્ષમાં અત્યારસુધીમાં ૧.૮૫ અબજ ડોલરનો ઈન્ફલોઝ જોવા મળ્યો છે. વૈશ્વિક બોન્ડ ઈન્ડેકસમાં ભારતના સમાવેશથી પણ નોંધપાત્ર ફલોઝની શકયતા રહેલી છે. દેશમાં આવેલા ડોલર ફલોઝનો ઉપયોગ રિઝર્વ બેન્કે ડોલર સામે રૂપિયાના ઘસારાને અટકાવવા માટે કર્યો હોવાનું રિઝર્વ બેન્કના સુત્રોએ જણાવ્યું હતું. ફોરેકસ રિઝર્વની જંગી માત્રા રિઝર્વ બેન્કને રૂપિયામાં ઘસારાને અટકાવવામાં ટેકો પૂરો પાડે છે. ફોરેકસ રિઝર્વનું વર્તમાન સ્તર દેશના ૧૧ મહિનાના આયાત બિલને પહોંચી વળવા માટે પૂરતું છે.