યૂએઈના સ્માર્ટ સીટી દુબઈને ધમધમતું કરવાના પ્રયાસ શરૂ, 4,535 કરોડ રૂપિયા આપવાની સરકારની જાહેરાત

April 27, 2024

સંયુક્ત અરબ અમીરાતમાં છેલ્લા 75 વર્ષોમાં સૌથી વધારે વરસાદ થયો છે. યૂએઈનું સૌથી સ્માર્ટ સિટી દુબઈમાં ચારે તરફ પાણી પાણી જોવા મળી રહ્યું છે. વરસાદે શહેરની તસવીર બગાડી દીધી છે. વરસાદ 259.5 મીમી નોંધાયો છે. તેનાથી જનજીવન, યાતાયાત અને વ્યાપાર ઠપ થઈ ગયો છે. યૂએઈને એકવાર ફરી જૂની સ્થિતિમાં લાવવા માટે કેટલા કરોડ રૂપિયા ખર્ચ થશે અને તેને લઈને સરકારે સમીક્ષાના આદેશ આપ્યા છે.

UAE ના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને અધિકારીઓને દેશભરમાં પૂરને કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા અને તેના પર ધ્યાન આપવાનો આદેશ આપ્યો છે. આ માટે એક કમિટી પણ બનાવવામાં આવી છે. દરમિયાન 24 એપ્રિલના રોજ, UAE એ અમીરાતી પરિવારોના ઘરોના સમારકામ માટે $544 મિલિયન (રૂ. 4,535 કરોડ)ની જાહેરાત કરી હતી.

વડા પ્રધાન મોહમ્મદ રશીદ અલ-મકતુમે કેબિનેટની બેઠક યોજી અને પછી કહ્યું કે અમે પૂરનો સામનો કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. કેબિનેટે પૂરના કારણે થયેલા નુકસાનનો સામનો કરવા માટે બે અબજ દિરહામને મંજૂરી આપી છે. UAE સરકારે કહ્યું કે અમે એક એવો દેશ છીએ જે દરેક અનુભવમાંથી શીખે છે. આશા છે કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળવા માટે કોઈ રસ્તો શોધી કાઢવામાં આવશે.