પશ્ચિમ બંગાળમાં બીરભૂમ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારનું ફૉર્મ રદ

April 26, 2024

બીરભૂમ : પશ્ચિમ બંગાળમાં બીરભૂમ લોકસભા બેઠક પરના ભાજપ ઉમેદવાર અને પૂર્વ IPS અધિકારી દેબાશિષ ધરનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. ત્યાર બાદ ભાજપે આ બેઠક પરથી દેબતનુ ભટ્ટાચાર્યને નવા ઉમેદવાર બનાવ્યા છે. ચૂંટણી પંચ સાથે સંકળાયેલા સૂત્રોએ કહ્યું કે, દિલ્હી હાઈકોર્ટના એક આદેશ મુજબ તેઓ જે એજન્સી સાથે કામ કરી રહ્યા છે, તેનું નો ડ્યૂઝ સર્ટિફિકેટ મેળવું જરૂરી હોય છે. આરપી એક્ટની કલમ 36 મુજબ ઉમેદવારે પાણી, રહેણાંક, વીજળી સહિતના બિલ ચુકાવવાના હોય છે, જેમાં જે-તે વિભાગો નોડ્યૂઝમાં લખી આપે છે કે, સંબંધિત વ્યક્તિનું કોઈપણ બાકી લેણું નીકળતું નથી. જો આ નો ડ્યૂઝ સર્ટિફિકેટ જમા કરવામાં ન આવે તો ઉમેદવારી પત્ર રદ કરવામાં આવે છે. દેબાશિષ ધરે તાજેતરમાં જ આઈપીએસ અધિકારીના પદ પરથી રાજીનામું આપી રાજકારણમાં એન્ટ્રી લીધી હતી. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, ‘રાજીનામું આપવા છતાં દેબાશિષને રિલીઝ ઓર્ડર આપવામાં આવ્યો નથી. સીતલકુચીમાં બનેલી ગોળીબારની ઘટનામાં પાંચ લોકોના મોત થયા બાદ દેબાશિષને ફરજિયાત પ્રતીક્ષા યાદીમાં રાખવામાં આવ્યા છે.


ભાજપે દેબાશિષના સ્થાને અન્ય ઉમેદવારને તૈયાર રાખ્યા છે, ત્યારે આ અંગે ભાજપ મહાસચિવ જગન્નાથ ચટ્ટોપાધ્યાયે કહ્યું કે, પડધા પાછળ ષડયંત્ર રચાઈ રહ્યું છે. અમે કોઈપણ જોખમ ઉઠાવવા માંગતા નથી. ભાજપે ટેકનિકલ કારણોસર બીજા ઉમેદવાર પાસે ફોર્મ ભરાવી રહી છે.’ ભટ્ટાચાર્યએ કહ્યું કે, ‘મારો પક્ષ મને જે પણ કહેશે, હું તે કરીશ. અમે બધા એક છીએ અને તૃણમૂલ કોંગ્રેસના ષડયંત્ર સામે લડવા અમે સાથે મળીને કામ કરી રહ્યા છીએ. અમે તેમના ગેમપ્લાનને નિષ્ફળ બનાવવા રણનીતિ બનાવી છે.