હું બિલકુલ ખુશ નથી', રશિયા-યુક્રેન યુદ્ધ મામલે ટ્રમ્પનું મોટું નિવેદન

August 23, 2025

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કહ્યું હતું કે, બે અઠવાડિયામાં મને ખબર પડી જશે કે યુક્રેન પર રશિયાના આક્રમણને સમાપ્ત કરવાના મારા પ્રયાસમાં પ્રગતિ શક્ય છે કે નહીં. તેમણે ફરી એકવાર રશિયા પર પ્રતિબંધો લાદવાની સંભાવના વ્યક્ત કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધ પ્રત્યે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, 'મે ક્યારેય વિચાર્યું ન હતું કે આ આટલું મુશ્કેલ બનશે.' ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે, 'હું શાંતિ સ્થાપનાના પ્રયાસોના કોઈપણ પાસાંથી ખુશ નથી.' એક અઠવાડિયા પહેલા જ ટ્રમ્પે અલાસ્કામાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત કરી હતી. તેઓ હજુ સુધી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથે બેઠક માટે સહમત કરાવી  શક્યા નથી. ટ્રમ્પે કહ્યું, 'હું તેનાથી ખુશ નથી તેમજ આ યુદ્ધ સાથે જોડાયેલી કોઈપણ વસ્તુથી ખુશ નથી. મેં સાત યુદ્ધનો ઉકેલ લાવ્યો છે અને જો તમે યુદ્ધ પહેલાના અને ત્રણ વધુ યુદ્ધો વિશે વિચારો છો, તો તે દસ હશે. હવે, હું એ યુદ્ધ સાથે જોડાયેલી કોઈપણ વસ્તુથી ખુશ નથી. બિલકુલ ખુશ નથી. હવે જોઈએ કે આગળ શું થાય છે. મને લાગે છે કે આગામી બે અઠવાડિયામાં આપણે જાણવા મળી જશે કે, આગળ શું થવાનું છે.'