સુરતમાં ઘર આંગણે રમતી બાળકીને ઉપાડી લઇ જઇ પીંખી નાખી, લોહીથી લથબથ બાળકી ઘરે પહોંચી

January 20, 2025

રાજ્યમાં મહિલાઓ સુરક્ષાની વાતો વચ્ચે દરરોજ દુષ્કર્મના કિસ્સાઓ વધી રહ્યા છે. જેને સમાજ અને સરકાર માટે લાલબત્તી સમાન છે. ત્યારે સુરતના પલસાણા તાલુકામાં એક આધેડ વયના હવસખોર ઇસમે 4 વર્ષની બાળકી પર નજર બગાડી પોતાની હવસનો શિકાર બનાવતાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાને પગલે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે સીસીટીવી ફંફોળીને ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી છે.  પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના પલસાણા તાલુકા નજીક એક શ્રમજીવી પરિવારની 4 વર્ષની બાળકી રમી રહી હતી, ત્યારે નજીકમાં રહેતો 45 વર્ષનો આધેડ ઇસમ બાળકીને લાડ લડાવવા લાગ્યો હતો. ત્યારબાદ હવસખોર આરોપી બાળકીને અડધો કિલોમીટરના અંતરે આવેલા પોતાના રૂમ પર લઇ ગયો હતો. જ્યાં તેણે બાળકીને પોતાનો હવસનો શિકાર બનાવી હતી. ત્યારબાદ બાળકી લોહીલુહાણ હાલતમાં રડતી રડતી ઘરે પહોંચી હતી. આ જોઇને શ્રમિક પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. પરિવારજનો તાત્કાલિક બાળકીને લઇને કડોદરા પોલીસ સ્ટેશને પહોંચી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. કડોદરા પોલીસ અને એલસીબીએ સંયુક્ત તપાસ આદરી આસપાસ વિસ્તારના સીસીટીવી ફંફોળવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન સીસીટીવી ફૂટેજમાં એક આધેડ વયનો ઇસમ બાળકીને લઇ જતો જોવા મળ્યો હતો. જેના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લઇ કડક પૂછપરછ હાથ ધરી છે.  પોલીસે આરોપી વિરૂદ્ધ પોક્સો એક્ટ અંતગર્ત ગુનો દાખલ કર્યો છે.  આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં સન્નાટો છવાઇ ગયો છે. સ્થાનિકો આરોપી વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.