ઈજીપ્તમાં તેલ ભરેલો ટ્રક પલટી ગયો : પ્રચંડ વિસ્ફોટ થયો : ચારે તરફ આગ ફેલાઈ : 30નાં મોત, 15 ઘાયલ

November 27, 2026

કેરો : ઈજીપ્તના વિશ્વ વિખ્યાત ગીઝા પિરામીડના ગીઝા પ્રાંતના મુખ્ય શહેર ગીઝામાં તેલ ભરેલો ટ્રક રોડ પરનાં ડીવાઈડર સાથે અથડાઈ પલ્ટી ખાઈ જતાં ટ્રક આગના ગોળામાં પલટાઈ ગયો હતો અને રસ્તા ઉપર પથરાયેલું તેલ પણ સળગી ઊઠતાં સમગ્ર વિસ્તારમાં અગ્નિકાંડ ફેલાઈ રહ્યો હતો. આથી રોડની બંને બાજુએ રહેલા મકાનો સુધી આગની જ્વાળાઓ લપકી હતી પરંતુ સદ્ભાગ્યે કોઈ મકાનને આગ લાગી ન હતી.
આ વ્યાપક અગનજ્વાળાઓને લીધે ૩૦નાં મૃત્યુ થયાં હતાં. ૧૫થી વધુને ભારેદાહ થયા હતા. દાઝેલાઓને તુર્ત જ હોસ્પિટલોમાં સારવાર માટે લઈ જવાયા હતા.
અકસ્માતની જાણ થતાં અને અગનજ્વાળાઓ નજરે જોનારાએ કહ્યું હતું કે, ટેન્કરનો ડ્રાઇવર બેધ્યાન રહ્યો હશે તેથી જ આ ઘટના બની હશે. ડ્રાઇવર કે તેનો સાથી પણ અગનજવાળાને લીધે મૃત્યુ પામ્યો હતો.


ઘટનાનો વિડીયો ફૂટેજ દર્શાવે છે કે ગાઢ-વસ્તીવાળા અલ-બાર્રાક વિસ્તારમાં ઉપર આગની જ્વાળાઓ અને ધૂમાડાના ગોટાઓ દેખાતા હતા.
આ દુર્ઘટના અંગે ઈજીપ્તનાં આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે પ્રાથમિક આંકડા પ્રમાણે મૃતકોની સંખ્યા ૩૦ હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ વાસ્તવમાં તે સંખ્યા વધવાની પૂરી આશંકા છે. તકલીફ તે છે કે શબ એટલી બધી બળેલી હાલતમાં છે કે તેમને ઓળખવા મુશ્કેલ છે. તે માટે તેમનું ડીએનએ પરીક્ષણ કરવામાં આવશે.


આ દુર્ઘટના પછી તુર્ત જ લાઇબંબા ત્યાં પહોંચી ગયા હતા અને આગ બુઝાવવામાં કાર્યરત થઈ ગયા હતા. દાઝેલાઓને આપાતકાલીન ચિકિત્સા દળોએ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. તે માટે ડઝનબંધ એમ્બ્યુલન્સો પણ કામે લગાડાઈ હતી.


નિરીક્ષકો જણાવે છે કે ઈજીપ્તમાં માર્ગ અકસ્માતો ગંભીર સમસ્યા સમાન બની ગયા છે. ગત વર્ષે દેશમાં માર્ગ અકસ્માતમાં ૬૦૦૦નાં મૃત્યુ થયા હતા. આ વર્ષે ઓગસ્ટમાં ઉત્તર ઈજીપ્તમાં બે પિકઅપ વાન વચ્ચે થયેલી અથડામણમાં ૧૮ના મૃત્યુ થયા હતા. મૃતકોમાં ઘણા યુવાન કામદારો હતા. સરકાર હવે માર્ગો સુધારે છે. અકસ્માત નિવારવા વાહનોની ગતિ ઉપર સખત મર્યાદા મુકી છે.