ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે 196 ગામના લોકો લડી લેવાના મૂડમાં, મહાસંમેલનની જાહેરાત

October 11, 2024

ગીર- ગુજરાતમાં સિંહ અને વન્યપ્રાણીઓ માટે ગીર નેશનલ પાર્ક, ગીર, પાણિયા અને મિતિયાળા અભયારણ્યનો કુલ 1,468.16 ચો.કિ.મી. વિસ્તાર આરક્ષિત કરવામાં આવ્યો છે. જેમાં કેન્દ્ર સરકારના નિયમ અને સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ આ રક્ષિત વિસ્તારની ફરતે 10 કિ.મી. ઈકો સેન્સિટિવ ઝોન જાહેર કરવાનો હોય, ત્યારે ઈકો સેન્સિટિવ ઝોનથી અસરગ્રસ્ત ગામના લોકો, ખેડૂતો, ગ્રામ પંચાયતો તેમજ રાજકીય આગેવાનો છેલ્લા કેટલાક દિવસોથી ખુલીને વિરોધ કરી રહ્યા છે. આગામી 14 ઓક્ટોબરે બરડીયા ખાતે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમની માગ છે કે ઈકો સેન્સિટિવ ઝોન નાબુદ કરવામાં આવે.
કેન્દ્ર સરકાર દ્વારા જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના 196 જેટલા ગામોને ઈકો સેન્સેટિવ ઝોનમાં સામેલ કરવાના જાહેરનામા બાદ ત્રણેય જિલ્લાના 11 તાલુકાના 196 ગામના લોકોનો તેને વિરોધ કરી રહ્યા છે. જેમાં ખૂદ ભાજપના નેતાઓ પણ જોડાયા છે. આ વિરોધની વચ્ચે વનવિભાગે ગ્રામજનો અને ખેડૂતોને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઈકો સેન્સિટિવ ઝોન નાબુદ કરવાના વિરોધમાં ગ્રામજનો અને ખેડૂતો લડી લેવાના મૂડમાં છે, ત્યારે તેમના દ્વારા ગામડે-ગામડે 11-11 લોકોની કમિટી બનાવાઈ રહી છે. જેમાં સમગ્ર મામલે આગામી 14 ઓક્ટોબરે 'ઈકો ઝોન હટાવો' મહા અભિયાન હેઠળ વિસાવદર તાલુકાના બરડીયા ખાતે મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. 


વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ કહ્યું કે, 'આ કાયદાથી ગ્રામજનો કે ખેડૂતોને કોઈ પ્રકારનું નુકસાન થશે નહી. આ ઈકો સેન્સિટિવ ઝોનને લઈને કોઈપણ પ્રકારે વાંધો જણાય તો જાહેરનામાંની જોગવાઈ પ્રમાણે કોઈપણ વ્યક્તિ 60 દિવસની અંદરમાં ઓનલાઈન રજૂઆત કરી શકે છે.' ગુજરાતના ગૌરવ સમાન એશિયાઈ સિંહ વર્ષોથી એશિયા ખંડમાં માત્ર સૌરાષ્ટ્રના ગીર વિસ્તારમાં જ વસવાટ કરતાં જોવા મળે છે. આ સિંહો તેમજ વન્ય પ્રાણીઓના સંવર્ધન માટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા ટૅક્નોલૉજીની મદદથી સાત વિવિધ નવા પ્રકલ્પો હાથ ધરાયા છે. રાજ્ય સરકારના વિશેષ પ્રયાસોથી ગીર રક્ષિત વિસ્તારના આજુબાજુનો કુલ 1,84,466.20 હેક્ટર વિસ્તારને 'ઈકો સેન્સિટિવ ઝોન' જાહેર કરવા માટે પ્રાથમિક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ જાહેરનામા મુજબ અભયારણ્યથી જાહેર થયેલ ઈકો સેન્સિટિવ ઝોન વિસ્તારનું અંતર ઓછામાં ઓછું 2.78 કિ.મી. અને વધુમાં વધુ 9.50 કિ.મી. રાખવામાં આવ્યું છે. 

સિંહોના રક્ષણ માટે ગીર નેશનલ પાર્ક, ગીર, પાણિયા અને મિતિયાળા અભયારણ્યને ઈકો સેન્સિટિવ ઝોન જાહેર કરવાની રાજ્યના વન વિભાગ દ્વારા કેન્દ્ર સરકારને દરખાસ્ત કરવામાં આવી હતી. જેને ગ્રાહ્ય રાખી કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં ઈકો સેન્સિટિવ ઝોનનું પ્રાથમિક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.