તુર્કીયે પર તવાઈ : 9 એરપોર્ટ્સ પર સેલીબીનો કોન્ટ્રાક્ટ રદ

May 16, 2025

- રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખી મુંબઈ સહિતનાં 9 એરપોર્ટસ પર ગ્રાઉન્ડ હેન્ડલિંગનો તુર્કીયેની કંપનીનો કોન્ટ્રાક્ટ રદ


- તુર્કીયેને આતંકવાદના સાથી પાકિસ્તાનનું સમર્થન ભારે પડયું : ભારતમાં જનતાએ વ્યાપક સ્તરે બહિષ્કાર કર્યો

મુંબઇ/નવી દિલ્હી : પાકિસ્તાન સાથે ઘર્ષણ પછી યુદ્ધવિરામ બાદ હવે ભારતમાં બોયકોટ તુર્કીયે ટ્રેન્ડ થવા લાગ્યું છે. મુસ્લિમ દેશ તુર્કીયેએ આતંકવાદ સામે લડી રહેલા ભારત વિરુદ્ધ પાકિસ્તાનને હથિયારોની મદદ કરી હતી. એટલું જ નહીં ભારત પર તુર્કીયેના ડ્રોનથી થયેલા હુમલામાં ડ્રોનનું સંચાલન તુર્કીયેના કેટલાક ઓપરેટર કરી રહ્યાના અહેવાલો આવ્યા પછી દેશભરમાં તુર્કીયેના બહિષ્કારની માગ ઉઠી હતી. પ્રવાસન, વેપાર, શિક્ષણ ક્ષેત્રથી લઈને સરકારી કામકાજમાં તુર્કીયે અને તેની કંપનીઓનો બહિષ્કાર થવા લાગ્યો છે. જનમાનસની ભાવાનાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે પણ સુરક્ષાના કારણોસર મુંબઈ સહિત દેશના નવ એરપોર્ટ્સનું સંચાલન કરી રહેલી તુર્કીયેની કંપની સેલેબીનો કોન્ટ્રાક્ટ રદ કરી દીધો છે.

પુરુષો અને સ્ત્રીઓ માટે લગ્નની આદર્શ ઉંમર કઈ? ડૉક્ટરે આપ્યો જવાબ | Gujarat Samacharપુરુષો અને સ્ત્રીઓ માટે લગ્નની આદર્શ ઉંમર કઈ? ડૉક્ટરે આપ્યો જવાબ | Gujarat Samachar
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલામાં હિન્દુઓની હત્યાનો બદલો લેવા માટે ભારતના ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જોકે, ચાર દિવસ સુધી ચાલેલા ઘર્ષણમાં મુસ્લીમ દેશ તુર્કીયે ખુલીને પાકિસ્તાનના સમર્થનમાં આગળ આવ્યું હતું, જેના પગલે દેશવાસીઓમાં તુર્કીયે વિરુદ્ધ આક્રોશ છે. દેશવાસીઓની લાગણીને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે તુર્કીયે સામે આકરાં પગલાં લીધા છે. 

મુંબઈ અને અમદાવાદ સહતિ ભારતનાં નવ એરપોર્ટસ પર  ગ્રાઉન્ડ હેન્ડલિંગ સર્વિસ આપતી તુર્કીયેની સેલીબી એન.એ.એસ. એરપોર્ટ સર્વિસીઝ ઇન્ડિયા લિમિટેડ કંપનીનું લાયસન્સ  રદ કરી દેવાયું છે. નાગરી ઉડ્ડયન ક્ષેત્રે ચાંપતી દેખરેખ રાખવાની ફરજ બજાવતી બ્યૂરો ઓફ સિવિલ એવિયેશન સિક્યુરિટી (બીસીએએસ)એ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સલામતીના કારણોસર મૂળ તુર્કીયેની કંપની સેલીબીની પેટા કંપની સેલીબી એરપોર્ટ સર્વિસીસ ઈન્ડિયા પ્રા. લિ.નું સિક્યુરિટી ક્લિયરન્સ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે છે. કંપનીને નવેમ્બર ૨૦૨૨માં સિક્યોરિટી ક્લિયરન્સ આપવામાં આવ્યું હતું.

તુર્કીયેની કંપની સેલિબી મુંબઇ, અમદાવાદ, દિલ્હી, કોચીન, કુન્નુર, બેંગ્લોર, હૈદરાબાદ, ગોવા અને ચેન્નઇ એરપોર્ટ ઉપર ગ્રાઉન્ડ હેન્ડલિંગની કામગીરી સંભાળતી હતી. કંપનીએ મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટથી આ કામગીરી શરૂ કરી હતી. બાદમાં એક પછી એક ૯ વિમાનમથકો પર તેને જવાબદારી સોંપવામાં આવી હતી. પાકિસ્તાનને ખુલ્લેઆમ ટેકો આપનારા તુર્કીયે સામે ભારતમાં વધતા જતા વિરોધ વચ્ચે આ બાબતની ગંભીર નોંધ લઇને રાષ્ટ્રના હિતમાં તુર્કીની કંપનીની સિક્યોરિટી ક્લિયરન્સ રદ કરવાનો નિર્ણય લેવાયો છે એમ નાગરિક  ઉડ્ડયન ખાતાના રાજ્ય પ્રધાન મુરલીધર મોહોલે એક સોશિયલ મિડિયામાં પોસ્ટ દ્વારા જણાવ્યું હતું.