ડેમેજ કંટ્રોલનો છેલ્લો પ્રયાસ, ભાજપે ક્ષત્રિય સમાજને પત્ર લખી આજીજી કરી

May 05, 2024

અમદાવાદ: રાજકોટ સીટથી ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા નિવેદન બાદ ગુજરાતમાં શરૂ થયેલા ક્ષત્રિય આંદોલનના કારણે ચૂંટણી જંગ રસપ્રદ બન્યો છે. છેલ્લા 40 દિવસથી ક્ષત્રિય સમાજ અને ભાજપ આમને-સામને છે ઠેર-ઠેર ભાજપના ઉમેદવારોનો વિરોધ થઇ રહ્યો છે. આ વખતે ગુજરાતની તમામ સીટો જીતવી ભાજપ માટે સરળ નથી આ સત્યથી વાકેફ પાર્ટીએ ‘ડેમેજ કંટ્રોલ’ના છેલ્લો પ્રયાસરૂપે ક્ષત્રિય સમાજને પત્ર લખી સમર્થન આપવા આજીજી કરી છે.


ગુજરાતમાં 7 મેના રોજ મતદાન થવાનું છે ત્યારે ભાજપ માટે આ વખતે ક્ષત્રિય સમાજ એક મોટો પડકાર બની શકે છે. રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજની ટિકિટ રદ્દ કરવાની માંગ પૂર્ણ ન થતાં ક્ષત્રિય સમાજનો રોષ યથાવત જોવા મળી રહ્યો છે, ક્ષત્રિય સમાજનો પહેલા જે વિરોધ રૂપાલા સામે હતો તે હવે ભાજપ પાર્ટી સામે થઈ ગયો છે અને રાજ્યના વિવિધ ભાગોમાં થયેલા ક્ષત્રિય મહાસંમેલનોમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. એવામાં હવે ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન કરે અને ઉદારતા દાખવે તે માટે ભાજપે પ્રેસ રિલીઝ જાહેર કરી ક્ષત્રિય સમાજને કરી અપીલ છે.


ભાજપે ડેમેજ કંટ્રોલ કરવા માટે મતદાનના 2 દિવસ પહેલા એટલે કે 5 મે, 2024 ના દિવસે આ પ્રકારની અપીલ કરી છે. ભાજપે તેના પત્રમાં જણાવ્યું કે, ક્ષમા વિરસ્ય ભૂષણમના ક્ષાત્રધર્મને સાર્થક કરીને ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપીને ઉદારતા દાખવે. પુરૂષોત્તમ રૂપાલાના નિવેદન પર માફી આપી ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને અપીલ કરી છે. રૂપાલાના નિવેદન અંગે માફી આપી રાષ્ટ્રહિતમાં ભાજપને સમર્થન કરવાની વાત પ્રેસ રિલીઝમાં કહેવામાં આવી છે.