IPLમાં તોફાન મચાવનાર ટીમનો CSK સામે શરમજનક પરાજય, કેપ્ટને કહ્યું - અમે આ કારણે હાર્યા

April 29, 2024

ઈન્ડિયન પ્રીમિયર(IPL) 2024માં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ તોફાન મચાવી રહી હતી અને ત્રણ વખત 260થી વધુ રન બનાવી ચૂકી છે. પરંતુ CSKની સામે તેનો શરમજનક પરાજય થયો છે. સનરાઈઝર્સ હૈદરાબાદે પોતાની બેટિંગ લાઈનઅપથી શ્રેષ્ઠ ટીમોને પણ ચોંકાવી દીધી છે. જોકે, CSKએ આપેલા 213 રનના ટાર્ગેટ સામે હૈદરાબાદ 18.5 ઓવરમાં 134 રનમાં જ ખખડી ગઈ હતી. સનરાઈઝર્સ હૈદરાબાદને IPLના ઈતિહાસમાં પોતાની સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન સેરેમનીમાં કેપ્ટન પેટ કમિન્સને પૂછવામાં આવ્યું કે તેણે ટોસ જીત્યો હતો પરંતુ બોલિંગ પસંદ કરી હતી. તો શું પરિણામને જોતા તમને લાગે છે કે તમારે પહેલા બેટિંગ કરવી જોઈતી હતી? તેના પર કેપ્ટને કહ્યું કે, હકીકતમાં આવું નહોતું વિચાર્યું. અમને લાગ્યું કે આ મેચ જીતવાની શ્રેષ્ઠ તક છે. તેઓએ 210 સુધી પહોંચવા માટે સારી બેટિંગ કરી પરંતુ અમે એ વિચાર્યું કે, અમારી બેટિંગ લાઈનઅપ સાથે અમને તક મળી છે અને પિચ પણ સારી છે. અમે એ બાબતથી ખૂબ જ ખુશ છીએ કે, બેટિંગ કેવી ચાલી રહી છે. આ લાઈનઅપમાં દરેકે પ્રદર્શન કર્યું છે અને ટૂર્નામેન્ટના અમુક સમયે ચોક્કસપણે મેચ જીતાડી છે. અમે જલ્દી વાપસી કરીશું.  રનના મામલે IPLમાં સનરાઈઝર્સ હૈદરાબાદની આ સૌથી મોટી હાર છે. વર્ષ 2013માં ચેન્નાઈ સુપર કિંગ્સે SRHને 77 રનથી હરાવ્યું હતું જ્યારે આ મેચમાં હૈદરાબાદની ટીમને 78 રનથી હારનો સામનો કરવો પડ્યો છે. ગત વર્ષે ટીમ રાજસ્થાન રોયલ્સ સામે 72 રનથી હારી હતી. હૈદરાબાદ પાસે આ સિઝનમાં સારી બેટિંગ અને બોલિંગ લાઈનઅપ છે પરંતુ બોલિંગે મોટાભાગે નિરાશ કર્યા છે. કારણ કે ટીમ 260 પ્લસ રન બનાવવા છતાં મોટા માર્જિનથી નથી જીતી. આ જ કારણ છે કે, SRHનો નેટ રન રેટ સારો નથી.