પાકિસ્તાનમાં આવેલી છે 40 કરોડ ટન સોનાનો ભંડાર ધરાવતી ખાણ, ધારે તો દેવું ચૂકવાઇ જાય, પરંતુ એક છે મોટો અવરોધ

January 24, 2023

નવી દિલ્હી: પાકિસ્તાનમાં આર્થિક સંકટ ઘેરાતું જાય છે ત્યારે રેકો દિક પર પણ આશા ટકેલી છે. એક અંદાજ મુજબ પ્રતિ ટન ખનીજ ભંડારમાંથી ૦.૨૨ ગ્રામ સોનું અને અંદાજે ૦.૪૧ ટકા જેટલું તાંબુ મળી શકે છે. જો કે ઇરાન અને અફઘાનિસ્તાન સરહદ નજીક એક સુષૂપ્ત જવાળામુખી પાસેની આ ખાણમાંથી સોનુ મેળવવું સરળ પણ નથી.  પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ડામાડોળ છે પરંતુ બલુચિસ્તાન  પ્રાંત કુદરતી સંસાધનોની દ્વષ્ટીએ ઘણો જ સમૃધ્ધ છે. આજકાલ બ્લુચિસ્તાનમાં આવેલી  રેકો દિક નામની સોના અને તાંબાનો ભંડાર ધરાવતી ખાણ ચર્ચામાં છે. આ ખાણ માઇનની દુનિયામાં સોના તાંબાનો વિશાળ ભંડારમાંની એક ગણાય છે.  ચગાઇ જિલ્લાના રેકો દિક કસ્બાના નામ પરથી ખાણનું નામ પડયું છે. ૧૯૯૫માં પ્રથમવાર રેકો દિકમાંથી ખોદકામ કરવામાં આવ્યું ત્યારે પ્રથમ ચાર માસમાં ૨૦૦ કિલોગ્રામ સોનું અને ૧૭૦૦ ટન તાંબુ મળ્યું હતું. જો કે પછીથી ખાણમાંથી સોનું મેળવવાનો પ્રોજેકટ ઘોંચમાં પડતો રહયો. ઇજારેદાર બદલાતા રહયા અને આંતરરાષ્ટ્રીય નિયમો હેઠળ પ્રોજેકટ વિવાદમાં પણ આવતો રહયો હતો. ૨૦૧૧માં બે આંતરરાષ્ટ્રીય કંપનીઓને બલુચિસ્તાનની સ્થાનિક સરકાર દ્વારા કરાર રિન્યું કરવામાં ના આવતા આ ખનન પરીયોજના અટકી પડી હતી. ૨૦૧૯માં વિશ્વબેંકની મધ્યસ્થતા ધરાવતી ન્યાયાધિકરણ સમિતિએ ગેર કાયદેસર રીતે ખનન કાર્ય રોકવા બદલ પાકિસ્તાન પર ૧૧ અબજ ડોલરનો દંડ જાહેર કર્યો હતો. વિશ્વબેંકની દરમિયાનગીરીથી પાકિસ્તાનને દંડ ભરવામાંથી રાહત આપવામાં આવી હતી.  છેલ્લે ગત ડિસેમ્બર મહિનામાં પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે રેકો દિક કોપર એન્ડ ગોલ્ડ માઇનના અબજો ડોલરના પ્રોજેકટને મંજૂરી આપી છે. એવું માનવામાં આવે છે કે રેકો દિક તરીકે મશહૂર આ ખાણમાં ૫૯૦ કરોડ ટનથી પણ વધારે કિંમતી ખનીજ છે જેમાંથી ૪૦ કરોડ ટન જેટલું સોનું છે.  પાકિસ્તાન હાલમાં તેના ઇતિહાસની સૌથી ઘેરી આર્થિક કટોકટીમાં પસાર થઇ રહયું છે ત્યારે રેકો દિક તારણહાર બની શકે છે. પાકિસ્તાનની આર્મીનું નિયંત્રણ ધરાવતી ફન્ટ્રીયર વર્કસ ઓર્ગેનાઇઝેશન પણ આમાં રસ લઇ રહી છે.  ચીન અને સાઉદી અરેબિયાની ખાણ કંપનીઓ પણ ઝંપલાવવા ઇચ્છે છે. આમ પણ ચીનની એક કંપની ચાઇના મેૈટલ સર્જિકલ ગુ્પ કોર્પોરેશન રેકો દિક નજીક સેંદક કોપર એન્ડ ગોલ્ડ માઇનનું ખનન કાર્ય કરી જ રહી છે.
પાકિસ્તાનનો આ સૌથી મોટો માઇનિંગ પ્રોજેકટ જેના માટે વિદેશી કંપનીઓ ૩.૩ અબજ ડોલરનું રોકાણ કરવા ઇચ્છે છે.  એક અંદાજ મુજબ પ્રતિ ટન ખનીજ ભંડારમાંથી ૦.૨૨ ગ્રામ સોનું અને અંદાજે ૦.૪૧ ટકા જેટલું તાંબુ મળી શકે છે. ઇરાન અને અફઘાનિસ્તાન સરહદ નજીક એક સુષુપ્ત જવાળામુખી પાસે આવેલી આ રેકો દિક ખાણને ખોદવી અને સોનું કાઢવું એ ઝટ મંગની અને પટ્ટ વિવાહ જેવું સરળ પણ નથી.બલુચિસ્તાનમાં ઘણા સમયથી પાકિસ્તાન સરકાર, આર્મી અને બલોચ વિદ્રોહીઓ વચ્ચે ઘર્ષણ ચાલે છે. હિંસક વિદ્રોહ ચાલતો જ હતો તેમાં ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (સીપીઇસી) પરિયોજનાએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યુ છે. જો બલુચિસ્તાનની સ્થાનિક સરકાર અને લોકો સાથે ખૂબ મુત્સદીથી પાકિસ્તાન સરકાર આગળ વધે તો આવનારા ૫ વર્ષ દરમિયાન તેનું હાલનું દેવું ભરાય જાય એટલું સોનું મળી શકે છે એવું ઘણા માને છે. આર્થિક સંકટ વધતું જાય છે ત્યારે જેના પર આશા ટકી છે તેમાં રેકો દિક પણ છે.