પાકિસ્તાનમાં શરદી-ઉધરસની દવાની પણ અછત સર્જાશે, માત્ર 2 દિવસનો જ સ્ટોક

January 20, 2023

ફાર્મા ઉદ્યોગ પાસે 2 મહિનાનો ઈન્વેન્ટરી સ્ટોક હતો જે હવે લગભગ ખલાસ થઈ ગયો છે
નવી દિલ્હી- પાડોશી દેશ પાકિસ્તાનની આર્થિક હાલત ખૂબ જ કફોડી થતી જોવા મળી રહી છે. વીજળી, ગેસ, ઘઉ-લોટ અને રોજબરોજના સામાનની કટોકટી બાદ હવે ત્યાં દવાઓનું પણ સંકટ ઉભું થયું છે કારણ કે પાકિસ્તાન પાસે દવાઓના ઉત્પાદન માટે માત્ર બે દિવસનો કાચો માલ બચ્યો છે. 

પાકિસ્તાનના ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચર્સ એસોસિએશન (PPMA) એ ગુરૂવારના રોજ આ સંકટની ચેતવણી આપી હતી અને આવી ગંભીર સ્થિતિ માટે કેન્દ્રીય બેન્કના ગવર્નર અને નાણા મંત્રીની ટીકા કરી હતી. સેનેટ સ્ટેન્ડિંગ કમિટી ઓન ફાઈનાન્સની બેઠકમાં પાકિસ્તાન ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચર્સ એસોસિએશન (PPMA) નું પ્રતિનિધિત્વ કરનારા અરશદ મલિકે જણાવ્યું હતું કે ફાર્મા ઉદ્યોગ પાસે 2 મહિનાનો ઈન્વેન્ટરી સ્ટોક હતો જે હવે લગભગ ખલાસ થઈ ગયો છે. 
પાકિસ્તાનમાં આવી સ્થિતિ ત્યારે સામે આવી જ્યારે કેન્દ્રીય બેન્કે કાચા માલની આયાત માટે ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને નવા સંમતિ પત્રો જારી આપવાનો ઈનકાર કર્યો હતો. આવામાં નાણા મંત્રાલય અને કોમર્શિયલ બેન્કો પાસેથી મદદ માંગ્યા બાદ પણ કોઈ મદદ મળી નથી. હવે ફાર્મા કંપનીઓએ દવાઓની સપ્લાઈ ચેઈન તૂટતી અટકાવવા માટે પાકિસ્તાની સાંસદો પાસે તાત્કાલિક મદદ માંગી છે.


પાકિસ્તાનમાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ 6 અબજ ડોલરનું છે અને તેની આયાત પર નિર્ભરતા લગભગ 93 ટકા છે. રોકડની તંગી વચ્ચે ઘણી રાષ્ટ્રીયકૃત બેન્કોએ ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને LC જારી કરવાનો ઈનકાર કર્યો છે.


ફાર્મા કંપનીઓના પ્રતિનિધિઓ માહિતી આપી છે કે તેમની કંપનીએ ભારતમાંથી કાચા માલની આયાત માટે રૂ. 1 અજબ ડોલરની ક્રેડિટ લિમિટ છે અને 45 દિવસ અગાઉ રૂ. 100 મિલિયન ચૂકવી દીધા છે. આમ છતાં પાકિસ્તાની બેન્ક ભારતને ચૂકવણી કરવામાં અસમર્થ છે.