કાલે ખરાખરીનો જંગ, કાઉન્ટડાઉન શરૂ:ગુજરાતમાં 28 વર્ષ પછી મે મહિનામાં મતદાન,

May 06, 2024

ગુજરાતની લોકસભાની સુરત સિવાયની 25 બેઠકો તેમજ વિધાનસભા પેટાચૂંટણી માટેની 5 બેઠકો પર 7 મેના રોજ મતદાન યોજાનાર છે. ચૂંટણીપંચ દ્વારા ઝીણવટપૂર્વક તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ આ અંગે જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન અને વીવીપેટના કમિશનિંગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. વોટર ઇન્ફોર્મેશન સ્લીપના વિતરણની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે રાજ્યના દરેક બૂથ પર ઇવીએમ મશીન સાથે સ્ટાફ પહોંચી જશે. ગુજરાતમાં 50,787 મતદાન મથક પર 7 મેના રોજ મતદાન યોજાશે, જેમાં 13,600 મતદાન મથક સંવેદનશીલ છે. આ વખતે સંવેદનશીલ મતદાન મથકોમાં 450 મતદાન મથકનો વધારો થયો છે. ક્રિટિકલ મતદાન મથકો માટે 10 જેટલી SRP કંપનીનો ઉપયોગ કરવાનું ચૂંટણી પંચ દ્વારા નક્કી કરાયું છે. જ્યારે 1.20 લાખ પોલીસકર્મી મતદાનના દિવસે ખડેપગે રહેશે. તેમજ મતદાનના દિવસે હીટવેવને લઈને ચૂંટણીપંચે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ગુજરાતમાં 28 વર્ષ પછી મે મહિનામાં મતદાન થશે, આવતીકાલે 43 ડિગ્રી તાપમાન રહેવાની હવામાન વિભાગની આગાહી છે. ત્યારે આજે રાજ્યની તમામ બેઠક પરના પોલ બુથ પર ચૂંટણી સ્ટાફ દ્વારા તડામાર તૈયારી શરૂ થઈ ગઈ છે.