ટ્રમ્પે ચોંકાવ્યા! લાદેનના 'મિત્ર'ને જેલમાંથી મુક્ત કર્યો, તાલિબાને બદલામાં 2 અમેરિકન નાગરિક છોડ્યા

January 22, 2025

 અમેરિકાના નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક ચોંકાવનારા નિર્ણય લઈ રહ્યા છે. હવે તેણે કાર્યભાર સંભાળતા જ કુખ્યાત આતંકી ઓસામા બિન લાદેનના ખાસ મિત્ર કહેવાતા ખાન મોહમ્મદને ગ્વાંતાનામો જેલથી મુક્ત કરીને સૌને ચોંકાવી દીધા છે. 

જોકે તેના બદલામાં અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે 2 અમેરિકન નાગરિકોને જેલથી આઝાદ કરી દીધા છે. જોકે એક પાકિસ્તાની નાગરિક ડૉક્ટર આફિયા અંગે અમેરિકન સરકારે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. 

તાલિબાને કથિત અપરાધોના આરોપોમાં અમેરિકન નાગરિકોને બંધક બનાવ્યા હતા. તાલિબાને માગ કરી હતી કે અમેરિકન નાગરિકોના બદલામાં અમેરિકાની જેલમાં કેદ અફઘાની આતંકી અને એક પાકિસ્તાની આતંકી ડૉક્ટર આફિયાને મુક્ત કરવામાં આવે. આ મામલે લાંબી મંત્રણા થઇ. બાઈડેન સરકારે શરૂઆતમાં જ તાલિબાનની માગને ફગાવી દીધી હતી.

તાલિબાનની અફઘાન સરકારે અમેરિકાથી 3 અમેરિકન કેદીઓના બદલામાં એક અફઘાની કેદી ખાન મોહમ્મદને મુક્ત કરવાની માગ કરી હતી. ખાન મોહમ્મદ લાદેનનો ખાસ મિત્ર ગણાતો હતો. તાલિબાને કહ્યું હતું કે જ્યાં સુધી ખાન મોહમ્મદને મુક્ત નહીં કરાય ત્યાં સુધી અમે કોઇ કેદીને મુક્ત નહીં કરીએ. ખાન મોહમ્મદની આદશે બે દાયકા પહેલા નંગરહાર પ્રાંતમાંથી ધરપકડ કરાઈ હતી અને કેલિફોર્નિયામાં આજીવન કારાવાસની સજા ફટકારઇ હતી. જોકે હવે ટ્રમ્પ સરકારે બાઈડેન સરકારનો નિર્ણય પલટી નાખતાં બે અમેરિકન નાગરિક રાયન કોર્બેટ અને વિલિયમ મેકેન્ટીના બદલામાં ખાન મોહમ્મદને મુક્ત કરી દીધો છે.