સાબરકાંઠાના રણાસણ નજીક કાપડ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ

January 30, 2026

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના રણાસણ ગામ નજીક કાપડ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગનો બનાવ બનતા જ ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો છે. કોઈ જાન હાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી પણ મોટું નુકસાન હોવાના સંકેત મળી રહ્યા છે. 


બીજી તરફ સુરત એકલેરા ચોકડી પાસે ગઈકાલે મોડી રાત્રે કુદરતના પ્રકોપ સમી ભીષણ આગ ફાટી નીકળી હતી. અંદાજે 3 વીઘા જેટલા વિશાળ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા વેસ્ટેજ કાપડ એટલે કે ચીંદીના ગોડાઉનોમાં લાગેલી આ આગ એટલી ભયાનક હતી કે તેના ધુમાડાના ગોટેગોટા 5 કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ જોઈ શકાતા હતા. કાપડનો જથ્થો હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર બ્રિગેડનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જ્યાં ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવાઈ હતી. 50 ટકા કાપડનો જથ્થો બચાવવામાં સફળતા મળી હતી. સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ કરોડો રૂપિયાનું વેસ્ટેજ કાપડ બળીને ખાક થઈ ગયું છે.