માઉન્ટ એટના પર અચાનક જ્વાળામુખી ફાટતાં અફરાતફરી, લોકોએ જીવ બચાવવા દોટ મૂકી

June 04, 2025

ઈટાલીનો માઉન્ટ એટના વિશ્વનો સૌથી સક્રિય જ્વાળામુખી છે. તેની અંદર હંમેશા આગ ધધકતી રહે છે. વિશ્વભરમાંથી હજારો લોકો તેને જોવા માટે આવે છે. તાજેતરમાં જ ઘણા દેશોના પ્રવાસીઓ અહીં આવ્યા હતા અને ઘણા લોકો તેને જોવા માટે આવી પણ રહ્યા છે. ત્યારે જ અચાનક જ્વાળામુખી ફાટી નીકળ્યો અને ઠેક-ઠેકાણેથી ગરમ લાવા અને ગેસ અને ખડકોના વાદળો નીકળવા લાગ્યા. કુદરતનું આ દ્રશ્ય ભયાનક હતું. માઉન્ટ એટના જોવા આવેલા પ્રવાસીઓ વચ્ચે અફરાતફરી મચી ગઈ હતી. લોકો પોતાનો જીવ બચાવવા માટે ત્યાંથી ભાગવા લાગ્યા. બીજી તરફ જ્વાળામુખીથી દૂર રહેલા કેટલાક લોકોએ આ ભયાનક દ્રશ્યને પોતાના કેમેરામાં કેદ કર્યું, જે હવે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યું છે. આ વીડિયોમાં જ્વાળામુખી ફાટવાનો ભયાનક અવાજ અને ધૂળ અને ધુમાડાના વિશાળ વાદળો જોઈ શકાય છે. કેવી રીતે વિસ્ફોટ પછી લાવા અને ધુમાડાના વાદળો ઝડપથી ફેલાઈ રહ્યા છે અને ત્યાં હાજર સેંકડો લોકો ત્યાંથી દૂર જવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. વીડિયોમાં જ્વાળામુખી ફાટ્યા બાદ ઘણી જગ્યાએથી લાવા અને ગરમ ગેસના વાદળો નીકળતા જોઈ શકાય છે. આ સાથે જ વિસ્ફોટથી ધરતીમાં થયેલા કંપનો પણ કેમેરામાં કેદ થયા હતા. વિસ્ફોટની સાથે આસપાસના સમગ્ર વિસ્તારમાં જોરદાર કંપનો થયા હતા અને પૃથ્વી જોરદાર ધ્રુજતી નજર આવી હતી. એક અહેવાલ પ્રમાણે ઈટાલીના અધિકારીઓએ જણાવ્યું કે, 'માઉન્ટ એટનામાં સોમવારે ભીષણ વિસ્ફોટ થયો હતો. ત્યારબાદ ત્યાંથી ઉચ્ચ તાપમાનવાળા ગેસ, રાખ અને ખડકોના વાદળો હવામાં ઘણા કિલોમીટરની ઊંચાઈ સુધી ફેલાઈ ગયા હતા. જેના કારણે ત્યાં હાજર પ્રવાસીઓને પોતાનો જીવ બચાવવા માટે સલામત સ્થળો તરફ ભાગવું પડ્યું.' સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી તસવીરમાં વિસ્ફોટથી બચવા માટે પર્વત પરથી નીચે ઉતરનારા લોકોની લાંબી લાઈન દેખાઈ રહી છે, જ્યારે બીજી તરફ એક ટૂર કંપનીના માલિકે જણાવ્યું કે, જ્યારે જ્વાળામુખી ફાટ્યો ત્યારે ત્યાં 40 લોકો હતા. એક વીડિયોમાં પ્રવાસીઓ કહી રહ્યા છે કે, અમે માંડ-માંડ બચ્યા. અમે બે ડગલાં દૂર હતા અને સદનસીબે અમારી સાથે એક જવાબદાર ગાઈડ હતો. આ બધું અચાનક બન્યું, પર્વતની ટોચ પરથી ખૂબ જ જોરદાર અવાજ સાથે ધુમાડાનું એક મોટું વાદળ નીકળ્યું, આ જોઈને અમને ત્યાંથી ભાગવા લાગ્યા. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ જીઓફિઝિક્સ એન્ડ વોલ્કેનોલોજી ઓબ્ઝર્વેટરીના જણાવ્યા પ્રમાણે જ્વાળામુખી ફાટવાના સમયે ત્યાં હાજર તમામ પ્રવાસીઓ અને ટ્રેકર્સને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. સ્થાનિક સમય પ્રમાણે મોડી સાંજે વિસ્ફોટ બંધ થઈ ગયો હતો. આ સાથે જ એટનામાંથી નીકળતા ત્રણેય લાવા પ્રવાહ હવે ઠંડા પડી રહ્યા છે. જો કે જ્વાળામુખીના શિખર નજીક રાખના છૂટાછવાયા વિસ્ફોટો થઈ રહ્યા છે, પરંતુ કંપારી બંધ થઈ ગઈ છે.