ચૂંટણી પંચમાં ઉથલપાથલ, વિરોધ-વંટોળ વચ્ચે CEC જ્ઞાનેશ કુમારે અનેક અધિકારીઓની બદલી કરી

October 17, 2026

મતદાર યાદીના SIRને લઈને દેશભરમાં રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે. આ દરમિયાન ચૂંટણી પંચના વહીવટી માળખામાં પણ મોટાપાયે ફેરફાર જોવા મળ્યા છે. વર્ષ 2025 અને 2026 દરમિયાન રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના આશરે 18થી 20 મુખ્ય ચૂંટણી અધિકારીઓ (CEO)ની બદલી કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે ફેબ્રુઆરી 2025માં પદભાર સંભાળ્યો હતો. ત્યારથી અત્યાર સુધીના 20 મહિનામાં થયેલી આ બદલીઓને ટૂંકા ગાળામાં અધિકારીઓની ફેરબદલીની સૌથી મોટી કવાયતોમાંની એક માનવામાં આવી રહી છે. એક અહેવાલ અનુસાર, આ સમયગાળા દરમિયાન મુખ્ય ચૂંટણી અધિકારીઓ ઉપરાંત ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીઓ, ખાસ કરીને નાયબ ચૂંટણી કમિશનરો (DEC)ના સ્તરે પણ અનેક મહત્ત્વપૂર્ણ ફેરફારો થયા છે. આંકડા અનુસાર, છેલ્લાં કેટલાંક વર્ષોમાં પણ મુખ્ય ચૂંટણી અધિકારીઓની બદલી થતી રહી છે, પરંતુ 2025-26નો સમયગાળો તુલનાત્મક રીતે વધુ વ્યસ્ત રહ્યો છે. અહેવાલ અનુસાર, લોકસભાની ચૂંટણીઓ દરમિયાન મુખ્ય ચૂંટણી અધિકારીઓની બદલી થવી સામાન્ય બાબત છે. જો કે, 2025 અને 2026માં અધિકારીઓની ફેરબદલીની પ્રક્રિયા વધુ ઝડપી રહી હોવાનું જણાવવામાં આવ્યું છે. વહીવટી કામગીરીમાં સાતત્ય જાળવવા માટે ચૂંટણી પંચ સામાન્ય રીતે મુખ્ય ચૂંટણી અધિકારીને ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી પદ પર રાખે છે. જો કે, ઉપલબ્ધ આંકડા અનુસાર, તાજેતરની ફેરબદલીમાં ઓછામાં ઓછા સાત અધિકારીઓ એવા હતા, જેમણે આ પદ પર બે વર્ષથી પણ ઓછો સમય વિતાવ્યો હતો. વર્ષ 2025માં આઠથી નવ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ બદલવામાં આવ્યા હતા. ત્યારબાદ 2026માં અત્યાર સુધીમાં ઓછામાં ઓછી વધુ 10 બદલીઓ થઈ હોવાનું અહેવાલમાં જણાવાયું છે. અહેવાલ અનુસાર, વર્ષ 2025માં મુખ્ય ચૂંટણી અધિકારીઓની બદલીની શરૂઆત બિહારથી થઈ હતી. મતદાર યાદીના SIRની પ્રક્રિયામાંથી પસાર થનારું બિહાર પ્રથમ રાજ્ય હતું.