બલૂચિસ્તાનમાં સ્કુલ બસ પર આત્મધાતી હુમલો, 4 બાળકોના મોત, 38 ઘાયલ

May 21, 2025

પાકિસ્તાનના અશાંત બલુચિસ્તાન પ્રાંતના કુઝદાર જિલ્લામાં બુધવારે એક મોટો બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ એક આત્મઘાતી હુમલો હોવાનું કહેવાય છે. આમાં એક સ્કૂલ બસને નિશાન બનાવવામાં આવી હતી. આ ભયાનક હુમલામાં 4 માસૂમ બાળકો માર્યા ગયા, જ્યારે 38 અન્ય ઘાયલ થયા. તેમાંથી ઘણાની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. 

બસ બાળકોને સ્કૂલે લઈ જઈ રહી હતી ત્યારે હુમલો થયો. વિસ્ફોટ બાદ સમગ્ર વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક વહીવટીતંત્રે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી અને ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા.

હજુ સુધી કોઈ આતંકવાદી જૂથે આ હુમલાની જવાબદારી લીધી નથી પરંતુ પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઓને બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA) પર શંકા છે. આ સંગઠન અગાઉ પણ આવા હુમલાઓમાં સામેલ રહ્યું છે. BLA એ ઘણી વખત પાકિસ્તાની સેનાના કાફલાઓને નિશાન બનાવ્યા છે. 

પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવીએ આ ઘટનાને "નિર્દોષ બાળકો સામેની બર્બરતા" ગણાવી અને ગુનેગારોને "જાનવરો" કહ્યા, કડક કાર્યવાહીની ચેતવણી આપી. તેમણે કહ્યું કે આ કાયરતાપૂર્ણ હુમલો કરનારાઓને બક્ષવામાં આવશે નહીં.