'ઈસ્લામિક નાટો'માં સાઉદી અરેબિયા બાદ હવે તૂર્કિયેની એન્ટ્રી પાક્કી! અમેરિકા-ઈઝરાયલ ઍલર્ટ

January 10, 2026

મધ્ય પૂર્વ અને દક્ષિણ એશિયાની સુરક્ષા વ્યવસ્થામાં ઐતિહાસિક બદલાવ થવા જઈ રહ્યો છે. સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને તૂર્કિયે વચ્ચે એક મોટું ત્રિપક્ષીય સૈન્ય ગઠબંધન આકાર લઈ રહ્યું છે, જેને નાટો(NATO) જેવું જ શક્તિશાળી માનવામાં આવે છે. સપ્ટેમ્બર 2024માં સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે એક સંરક્ષણ સમજૂતી થઈ હતી. આ સમજૂતીમાં નાટોના 'આર્ટિકલ-5' જેવી જોગવાઈ છે, જે મુજબ 'કોઈપણ એક દેશ પરનો હુમલો, તમામ દેશો પરનો હુમલો માનવામાં આવશે.' બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, તૂર્કિયે આ ગઠબંધનમાં સામેલ થવા માટે ખૂબ જ ગંભીર છે અને આ અંગેની વાતચીત અંતિમ તબક્કામાં છે. નિષ્ણાતોના મતે, આ ત્રિપક્ષીય ગઠબંધન ઇઝરાયલના પ્રભાવને રોકવા અને પ્રાદેશિક વર્ચસ્વ જાળવી રાખવા માટે અત્યંત નિર્ણાયક સાબિત થઈ શકે છે, કારણ કે આ ત્રણેય દેશોની ક્ષમતાઓ એકબીજાની પૂરક છે. જ્યાં સાઉદી અરેબિયા પાસે અઢળક નાણાકીય સંસાધનો અને આર્થિક શક્તિ છે, ત્યાં પાકિસ્તાન પરમાણુ હથિયાર, અત્યાધુનિક બેલેસ્ટિક મિસાઈલો અને વિશાળ સૈન્યબળ જેવી વ્યૂહાત્મક તાકાત ધરાવે છે. આ જોડાણમાં તૂર્કિયે તેની અત્યાધુનિક સંરક્ષણ ટેકનોલોજી, ખાસ કરીને વિશ્વ વિખ્યાત ડ્રોન ટેકનોલોજી, મજબૂત સૈન્ય માળખું અને યુદ્ધના બહોળા અનુભવનો ઉમેરો કરે છે. આ રીતે, આર્થિક, પરમાણુ અને તકનીકી શક્તિનો આ સમન્વય પ્રાદેશિક સુરક્ષાના સમીકરણો બદલવાની ક્ષમતા ધરાવે છે. ડોનાલ્ડ ટ્રમ્પના નાટો પ્રત્યેના અસ્પષ્ટ વલણને કારણે તૂર્કિયે હવે સુરક્ષા માટે વૈકલ્પિક રસ્તાઓ શોધી રહ્યું છે. તૂર્કિયે તેના પાંચમી પેઢીના ફાઇટર જેટ પ્રોજેક્ટ 'કાન'(KAAN)માં સાઉદી અને પાકિસ્તાનને સામેલ કરવા માંગે છે. આ ગઠબંધન સાઉદી અને તૂર્કિયે વચ્ચે વર્ષોથી ચાલી આવતા 'સુન્ની નેતા' બનવાના ટકરાવનો પણ અંત લાવશે.