'ઓપરેશન સિંદૂર' અંગે ચર્ચા પહેલા જ લોકસભા-રાજ્યસભામાં હોબાળો

July 28, 2025

સંસદમાં ચોમાસુ સત્ર એક સપ્તાહ બાદ પણ શરૂ થઈ ચૂક્યું નથી. વિપક્ષના અનેક મુદ્દાઓ પર હોબાળાના પગલે આજે લોકસભા અને રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર મુદ્દે ચર્ચાઓ થવાની હતી. પરંતુ ચર્ચા શરૂ થાય તે પહેલાં જ વિપક્ષ દ્વારા વોટર લિસ્ટ રિવિઝન મુદ્દે હોબાળો શરૂ કરવામાં આવ્યો હતો. જેના લીધે બંને સદનની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.

શાસક અને વિરોધ પક્ષ ઓપરેશન સિંદૂર પર 16-16 કલાકની ચર્ચા કરવા તૈયાર થયુ હતું. જેની ચર્ચા આજે શરૂ થવાની હતી. શુક્રવારે બિઝનેસ એડવાઈઝરી કમિટીની બેઠકમાં 28 જુલાઈથી સદનના નિયમિત સંચાલન પર તમામ પક્ષોના ફ્લોર લીડર્સ પાસેથી સહમતિ લેવામાં આવી હતી. પરંતુ આજે કાર્યવાહી શરૂ થાય તે પહેલાં જ બિહારમાં વોટર લિસ્ટ રિવિઝન મુદ્દે હોબાળો શરૂ થયો હતો. જેના લીધે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સદનની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરી હતી.

રાજ્યસભામાં પણ વિપક્ષનો હોબાળો ચાલુ રહ્યો હતો. જેના લીધે રાજ્યસભામાં ઉપસભાપતિ હરિવંશે શૂન્યકાળ સુધી આંગણવાડી સંબંધિત મુદ્દા પર બોલવા કહ્યું હતું. પરંતુ હોબાળો ચાલુ રહેતાં સદનની કાર્યવાહી 12 વાગ્યા સુધઈ સ્થગિત કરવામાં આવી હતી. કોંગ્રેસે ઓપરેશન સિંદૂર મુદ્દે ચર્ચા દરમિયાન પોતાના તમામ લોકસભા સાંસદો માટે ત્રણ લાઈનના વ્હિપ જાહેર કર્યા હતાં. જેમાં તમામને આગામી ત્રણ દિવસ સુધી સદનમાં હાજર રહેવા નિર્દેશ આપવામાં આવ્યા હતાં.