વધુ 11 શરતો માનો નહીંતર હવે ફંડ નહીં આપીએ: IMFની પાકિસ્તાનને ચેતવણી

May 18, 2025

પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તંગદિલી દરમિયાન ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)એ પાકિસ્તાનની એક અબજ ડોલરની લોન મંજૂર કરી હતી. આતંકવાદને આશરો આપનારા દેશને નાણાકીય સહાય કરતાં વિશ્વભરમાં આઈએમએફની ટીકા થઈ હતી. જો કે, આઈએમએફએ આ લોનનો પહેલો હપ્તો જારી કરતાં પહેલાં જ 11 નવી શરતો મૂકતા પાકિસ્તાનની મુશ્કેલીઓ વધારી છે.


ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે પાકિસ્તાનને મોટી લોન આપ્યા પછી IMF કદાચ પોતાના નાણાં અટવાઈ જવાનો ભય અનુભવી રહ્યું છે. જેથી IMFએ તેના બેલઆઉટ પેકેજનો આગામી હપ્તો રજૂ કરતાં પહેલાં જ પાકિસ્તાન પર 11 નવી શરતો લાદી છે. આ સાથે પાકિસ્તાન પર કુલ શરતો વધીને 50 થઈ છે. IMF દ્વારા પાકિસ્તાનને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જો આ શરતો પૂરી નહીં થાય, તો તેને આગામી હપ્તો આપવામાં આવશે નહીં.


ભારત અને પાકિસ્તાનન વચ્ચે જ્યારે ડ્રોન અને મિસાઇલ હુમલાઓ થઈ રહ્યા હતા, ત્યારે આઈએમએફએ પાકિસ્તાનની 1 અબજ ડોલરની લોન મંજૂર કરી હતી. આ સાથે IMFએ હાલના 7 અબજ ડોલરના બેલઆઉટ પેકેજ હેઠળ પાકિસ્તાન માટે ક્લાઇમેટ રેઝિલિયન્સ લોન માટે 1.4 અબજ ડોલરની વધારાની રકમ પણ મંજૂર કરી છે.  આમ IMF તરફથી પાકિસ્તાનને કુલ 2.4 અબજ ડોલરની સહાય મળી હતી. આ સહાયથી વિશ્વભરમાં IMF સામે રોષ જોવા મળ્યો હતો.