કેલિફોર્નિયામાં ફર્ટિલિટી ક્લિનિકમાં બોમ્બ બ્લાસ્ટ, એકનું મોત

May 18, 2025

કેલિફોર્નિયા : દક્ષિણ કેલિફોર્નિયામાં ફર્ટિલિટી ક્લિનિકની બહાર ભયાવહ બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ ક્લિનિકને ટાર્ગેટ કરતી બોમ્બ વિસ્ફોટની ઘટનાને એફબીઆઈએ આતંકવાદી કૃત્ય ગણાવ્યુ છે. આ બોમ્બ બ્લાસ્ટ માટે જવાબદાર શંકમદ વ્યક્તિએ હુમલો કરતાં પહેલાં ઓનલાઈન ઉશ્કેરણીજનક પોસ્ટ લખી હતી. જેના હુમલાખોરે વિસ્ફોટનો વીડિયો સોશિયલ મીડિયા પર લાઈવ કરવાનો પ્રયાસ પણ કર્યો હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું.


કાયદા અમલીકરણના અધિકારીએ જણાવ્યા પ્રમાણે, કેલિફોર્નિયાના પામ સ્પ્રિંગ્સમાં આવેલા એક ફર્ટિલિટી ક્લિનિકની બહાર જોરદાર બોમ્બ વિસ્ફોટ થયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયુ હતું અને અન્ય ચાર ઘાયલ થયા હતાં. એફબીઆઈએ આ મામલે તપાસ હાથ ધરી જણાવ્યું હતું કે, આ ઘટનામાં ક્લિનિકના મોટા હિસ્સાને નુકસાન થયુ છે. જો કે, સદનસીબે ક્લિનિક બંધ હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.

એફબીઆઈના હેડ અકીલ ડેવિસે આ હુમલાને આતંકવાદનું ઈરાદાપૂર્વક કૃત્ય ગણાવ્યું હતું. ઓથોરિટી આ મામલે વધુ તપાસ કરી રહી છે. એફબીઆઈએ શંકમદ વ્યક્તિની ઓળખ હજી જાહેર કરી નથી. હુમલાખોરે કારમાં જ બોમ્બ વિસ્ફોટ કર્યો હોવાનું પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે. જેમાં તેનું મોત થયુ છે.