ગાઝામાં હોસ્પિટલ-શરણાર્થી કેમ્પ પર બોમ્બ વર્ષા, વધુ 100 મોત

May 18, 2025

ગાઝા : હમાસ સાથે યુદ્ધ કરી રહેલા ઈઝરાયલે ગાઝા પર ફરી ભયાનક એરસ્ટ્રાઈક કરી છે. ઈઝરાયલે સતત ચોથા દિવસે ગાઝામાં હુમલો કરતા વધુ 100 લોકોના મોત થયા છે. ગાઝા સ્થિત આરોગ્ય કર્મચારીઓએ કહ્યું કે, ઈઝરાયલી સેનાએ શનિવારની રાતથી રવિવાર સુધી એરસ્ટ્રાઈક કરતા ઓછમાં ઓછા 103 લોકોના મોત થયા છે. ઈઝરાયલ સતત પાંચ દિવસથી ગાઝામાં હુમલાઓ કરી રહ્યું છે, જેમાં કુલ 320 લોકોના મોત થયા છે.


અધિકારીઓએ કહ્યું કે, ‘ઈઝરાયલ તફથી સતત હુમલો થઈ રહ્યા છે, જેમાં સામાન્ય નાગરિકોના મોત થયા છે. હુમલામાં હોસ્પિટલો અને અનેક બિલ્ડીંગોને પણ નુકસાન થયું છે. હોસ્પિટલમાં જે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, તેઓ પહેલેથી જ હુમલાનો શિકાર બનેલા છે અને હવે તેઓ વધુ મુશ્કેલીમાં પડ્યા છે.’

સેનાએ ગાઝાના દક્ષિણ શહેર ખાન યુનિસમાં મિસાઈલ એટેક કરતા 18 બાળકો અને 14 મહિલા સહિત 48થી વધુ લોકોના મોત થયા છે. નાસિર હોસ્પિટલે કહ્યું કે, સેનાના અનેક હુમલામાં વિસ્થિપત લોકોના શરણાર્થી શિબિરને પણ ઘણુ નુકસાન થયું છે. એસોસિએટેડ પ્રેસે ગાઝા આરોગ્ય મંત્રાલય અને સ્થાનિક સિવિલ ડિફેન્સ તરફથી મળેલી માહિતી મુજબ કહ્યું કે, નોર્થ ગાઝાના જબાલિયામાં શરણાર્થી શિબિર પર પણ મિસાઈલ ત્રાટકી છે, જેમાં એક જ પરિવારના 9 સભ્યોના મોત થયા છે. આ ઉપરાંત અન્ય એક હુમલામાં સાત બાળકો અને એક મહિલા સહિત 10 લોકોના મોત થયા છે.