કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ કહ્યું - શિક્ષણ ક્ષેત્રે મોદી સરકાર 'ઢ'

January 22, 2023

કોંગ્રેસ અધ્યક્ષે ASER 2022 રિપોર્ટના ડેટાનો હવાલો આપ્યો


પાઠ્યપુસ્તકો વાંચવામાં સક્ષમ વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડા મામલે સરકારને ‘F’રેન્ક અપાયો


દિલ્હી- કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ એજ્યુકેશન સેક્ટરમાં પીએમ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારની પરફોર્મન્સ અંગે રિવ્યૂ આપ્યો હતો. તાજેતરના એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ(ASER 2022) નો હવાલો આપતાં ખડગેએ રવિવારે ટ્વિટ કરતાં કહ્યું કે પાઠ્યપુસ્તકો વાંચવામાં સક્ષમ વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડા મામલે સરકારને ‘F’રેન્ક અપાયો છે. 


કોંગ્રેસ અધ્યક્ષે  ASER 2022 રિપોર્ટના ડેટાનો હવાલો આપ્યો હતો જેનાથી જાણ થાય છે કે સરકારી કે ખાનગી સ્કૂલોમાં ત્રીજા ધોરણના વિદ્યાર્થીઓની સંખ્યા જે બીજા ધોરણના પાઠ્યપુસ્તકો વાંચવામાં સક્ષમ છે તે 2018થી 27.3%થી ઘટીને 2022માં 20% થઈ ગઈ છે. આ રીતે પાંચમાં ધોરણના વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘટી છે. આવા વિદ્યાર્થીઓ 2018ના 50.5%થી ઘટીને 2022માં 42.8% થઈ ગયા છે. 


અગાઉ ખડગેએ લગભગ 30 લાખ ખાલી પદો ઉપરાંત નવા સામેલ કરાયેલા સરકારી કર્મચારીઓને 71,000થી વધુ નિમણૂક પત્ર સોંપવા માટે વડાપ્રધાન આડેહાથ લીધા હતા. ખડગેએ ટ્વિટમાં કહ્યું કે મોદીજી, સરકારી વિભાગોમાં 30 લાખ પદ ખાલી છે. આજે તમે જે 71,000 નિમણૂક પત્રો વહેંચી રહ્યા છો તે દરિયામાં ટીપાં સમાન બાબત છે. ખાલી પદો ભરવાની એક પ્રક્રિયા હોય છે. તમે દર વર્ષે 2 કરોડ નોકરીઓનો વાયદો કર્યો હતો. હવે યુવાઓને જણાવો કે 8 વર્ષમાં મળનારી 16 કરોડ નોકરીઓ ક્યાં છે?