CRPF જવાન પર મોટો ખુલાસો, આતંકી હુમલાના 6 દિવસ પહેલા પહલગામમાં હતો

May 27, 2025

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, દેશની તમામ ગુપ્તચર એજન્સીઓ ભારતમાં રહીને પાકિસ્તાન માટે જાસૂસી કરનારાઓ પર કડક કાર્યવાહી કરી રહી છે. ગઈકાલે જ, NIA (રાષ્ટ્રીય તપાસ એજન્સી) એ CRPF (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ) ના જવાન મોતી રામ જાટની પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરી હતી. હવે આ મામલે એક અપડેટ આવ્યુ છે. આતંકવાદી હુમલાના 6 દિવસ પહેલા જ પહલગામમાં મોતી રામ જાટનું પોસ્ટિંગ સમાપ્ત થઈ ગયું હતું.

મીડિયા રિપોર્ટ અનુસાર પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરાયેલા સીઆરપીએફ જવાન મોતી રામ જાટને આતંકવાદી હુમલાના છ દિવસ પહેલા જ પહલગામ પોસ્ટ પરથી બદલી કરવામાં આવી હતી. આરોપી ASI મોતી રામ જાટ ટ્રાન્સફર પહેલા પહેલગામમાં CRPFની 116મી બટાલિયનમાં તૈનાત હતો. 

દિલ્હીથી મોતી રામ જાટની ધરપકડ કરનાર NIAએ જણાવ્યું હતું કે CRPF જવાન મોતી 2023 થી પૈસાના બદલામાં પાકિસ્તાનના PIOને દેશની ગુપ્ત માહિતી પૂરી પાડી રહ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, મોતી રામ જાટે ભારતીય સેનાની પ્રવૃત્તિઓ, હિલચાલની રીતો અને અન્ય ઘણી મહત્વપૂર્ણ વિગતો PIO સાથે શેર કરી હતી.