ખતરનાક સામાન ભરેલું લાઇબેરિયન કાર્ગો જહાજ કેરળના દરિયામાં ડૂબ્યું

May 25, 2025

હોલ્ડમાં પાણી ભરાવાથી બની દુર્ઘટના, લોકોને કિનારેથી મળતી વસ્તુઓથી દૂર રહેવા સૂચના

કેરળ- લાઇબેરિયન માલવાહક જહાજ MSC ELSA 3 કેરળના કોચી નજીક દરિયામાં નમી ગયા બાદ ડૂબી ગયું હતું. આ જહાજ 640 કન્ટેઈનર લઈ જઈ રહ્યું હતું, જેમાં કેલ્શિયમ કાર્બાઇડ, ડીઝલ અને ફર્નેસ ઓઇલ સહિત કેટલોક ખૂબ ખતરનાક સામાન રાખેલો હતો. જહાજ પલટવાથી તેમાંથી ઓઇલ લીક થઈ ગયું. પરિસ્થિતિને ગંભીરતાથી જોતા તાત્કાલિક બચાવ અભિયાન ચલાવાયું અને ક્રૂના તમામ સભ્યોને બચાવી લેવાયા. ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) અને નૌકાદળ દ્વારા તમામ 24 ક્રૂ સભ્યોને બચાવી લેવામાં આવ્યા હતા. આ જહાજ 23 મેના રોજ કેરળના વિઝિનજામ બંદરથી કોચી જવા રવાના થયું હતું. 24 મેના રોજ, બપોરે કોચી કિનારાથી 38 નોટિકલ માઇલના અંતરે દરિયામાં નમી ગયું હતું. કોચીમાં ICGના મરીન રેસ્ક્યુ સબ સેન્ટર (MRSC) એ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યુ હતું. ઘટનાને જોતા કેરળ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન વિભાગ (SDMA)એ એલર્ટ જાહેર કરી દીધું છે. વિભાગે લોકોને કહ્યું છે કે, તેઓ દરિયાના કિનારેથી આવતી વસ્તુઓથી દૂર રહે. તેને સ્પર્શ ના કરે.

ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG)એ જણાવ્યું કે, જહાજના એક હોલ્ડમાં પાણી ભરાઈ જવાના કારણે તે ડૂબી ગયું. ત્યારબાદ બચાવ અભિયાન ચલાવીને તમામને બચાવી લેવાયા. આ જહાજ પર કુલ 640 કન્ટેઈનર હતા, જેમાંથી 12 કન્ટેઈનરમાં કેલ્શિયમ કાર્બાઇડ રાખેલું હતું. આ સિવાય જહાજ પર 84.44 મેટ્રિક ટન ડીઝલ અને 367.1 મેટ્રિક ટન ફર્નેસ ઓઇલ પણ હતું.
ખતરનાક સામાન ભરેલું લાઇબેરિયન કાર્ગો જહાજ કેરળના દરિયામાં ડૂબ્યું, લોકોને કિનારેથી મળતી વસ્તુઓથી દૂર રહેવા સૂચના 3 - image
ICG તરફથી કહેવાયું છે કે, ઓઇલ ફેલાવાના કારણે પ્રદૂષણનો ખતરો છે પરંતુ તેને જોતા જરૂરી તૈયારીઓ કરાઈ રહી છે. ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફર્મેશન સર્વિસીસ (INCOIS)નું કહેવું છે કે, ફેલાયેલું ઓઇલ 36-48 કલાકમાં અલપુઝા, અંબાલાપુઝા, અરટ્ટુપુઝા અને કરૂનાગપ્પલ્લીના દરિયાકિનારા સુધી પહોંચી શકે છે. અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ અને તમામ સંબંધિત અધિકારીઓના સંપર્કમાં છીએ.